VIDEO : રાઘવ ચઢ્ઢાએ AAP છોડવાનું બતાવ્યું કારણ, ભાજપમાં જોડાયા બાદ પહેલું નિવેદન
ભારતીય રાજનીતિમાં હાલમાં જ એક મોટો ઉલટફેર જોવા મળ્યો છે. આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા રાઘવ ચઢ્ઢા હવે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. ભાજપમાં જોડાયા બાદ તેમણે સોશિયલ મીડિયા પર પોતાનો પ્રથમ વીડિયો શેર કર્યો છે, જેમાં તેમણે પોતાની નવી સફર અને AAP છોડવા પાછળના કારણો વિશે જણાવ્યું છે.
પાર્ટી પહેલા જેવી નથી રહી
પોતાના પ્રથમ વીડિયો સંદેશમાં રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે, તેઓ એક લાંબા વિચાર-મંથન બાદ આ નિર્ણય પર પહોંચ્યા છે. તેમણે આમ આદમી પાર્ટીના વર્તમાન વાતાવરણને "ઝેરી" ગણાવતા કહ્યું કે, જે પાર્ટીને તેમણે 15 વર્ષ સમર્પિત કર્યા હતા, તે હવે પહેલા જેવી રહી નથી. છેલ્લા કેટલાક વર્ષોથી હું એવું ફિલ કરી રહ્યો હતો. હું ખોટી જગ્યાએ છું. મારી પાસે 3 ઓપ્શન હતા. હું. રાજકારણ છોડી દું. પાર્ટીમાં સુધારા લાઉં. કે પછી અન્ય પાર્ટીમાં જોડાઈને પોઝીટીવ રાજનીતિ કરું. હું એકલો જ નહીં બીજા 7 સાંસદોને પણ આવું લાગ્યું.
ભ્રષ્ટાચારને કારણે મારે લેવો પડ્યો કઠોર નિર્ણય
છેલ્લા ત્રણ દિવસથી ઘણાં બધાના મેસેજ આવી રહ્યા છે. મારા નિર્ણયની પાછળ શું કારણ છે. જણાવી દઉં કે હું રાજકારણમાં આવ્યો તે પહેલા પ્રોફેશનથી એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતો. મારી પાસે લાંબુ વિશાળ કરિયર હતું પરંતુ મેં દેશની સેવા માટે મારું પ્રોફેશનલ કરિયર છોડ્યું હતું. આમ આદમી પાર્ટીમાં જોડાયો પરંતુ પાર્ટીની અંદર આંતરિક લોકશાહીનો અભાવ અને વધી રહેલા ભ્રષ્ટાચારને કારણે મારે આ કઠોર નિર્ણય લેવો પડ્યો છે.
માત્ર રાઘવ ચઢ્ઢા જ નહીં, પણ AAP ના કુલ ૧૦ માંથી ૭ રાજ્યસભા સાંસદોએ ભાજપ સાથે જોડાવાની જાહેરાત કરી છે. જેમાં સંદીપ પાઠક, અશોક મિત્તલ, સ્વાતિ માલીવાલ અને હરભજન સિંહ જેવા મોટા નામોનો સમાવેશ થાય છે. બે-તૃતીયાંશ બહુમતી હોવાને કારણે આ સાંસદો પર પક્ષપલટા વિરોધી કાયદો લાગુ પડતો નથી, જેના કારણે તેમની સદસ્યતા સુરક્ષિત રહેશે.
જણાવી દઈએ કે, રાઘવ ચઢ્ઢાના આ નિર્ણયથી સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાઓ છેડાઈ છે. ભાજપમાં જોડાતાની સાથે જ ઇન્સ્ટાગ્રામ પર તેમના ફોલોઅર્સમાં ઘટાડો થયો છે. જે દર્શાવે છે કે તેમના યુવા પ્રશંસકોના એક વર્ગમાં નારાજગી છે. બીજી તરફ ભાજપના નેતાઓ આ પગલાને રાષ્ટ્રહિતમાં લીધેલો નિર્ણય ગણાવી રહ્યા છે.
આમ આદમી પાર્ટી (AAP) ના પૂર્વ રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ 24 એપ્રિલ,2026 ના રોજ ભાજપમાં જોડાઈને સૌને ચોંકાવી દીધા હતા. ભાજપમાં પ્રવેશ કર્યા બાદ આજે તેમણે એક વીડિયો જાહેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

