‘પબ્લિક એક્ઝામિનેશન સુધારા બિલ’ સંસદમાં રજૂ, વિપક્ષના ભારે હંગામા વચ્ચે રાજ્યસભા ૨ વાગ્યા સુધી સ્થગિત

મોદી સરકારે દેશમાં યોજાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીક અને ગડબડીઓ રોકવા માટે આજે લોકસભા (Lok Sabha) માં ‘પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઓફ અન્ફેર મીન્સ) સુધારા બિલ, ૨૦૨૬’ (Public Examination Amendment Bill 2026) રજૂ કરી દીધું છે. કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે આ મહત્વપૂર્ણ વિધેયક ગૃહ સમક્ષ રજૂ કર્યું હતું.
આ નવા સુધારા બિલનો મુખ્ય હેતુ પરીક્ષાઓમાં પારદર્શિતા (Transparency), નિષ્પક્ષતા અને વિશ્વેસનીયતા વધારવાનો તેમજ પેપર લીક માફિયાઓ પર સખત સકંજો કસવાનો છે.
નવા કાયદાની કડક જોગવાઈઓ
જો આ બિલ કાયદાનું રૂપ લેશે, તો પેપર લીકના ગુનાઓ માટે અત્યંત કડક સજાની જોગવાઈઓ અમલી બનશે: પેપર લીકમાં સામેલ ગુનેગારોને ૧૦ વર્ષ સુધીની જેલની સજા અને ૧૦ કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
જો પરીક્ષા યોજતી એજન્સી કે સર્વિસ પ્રોવાઈડર (Service Provider) કંપની દોષિત જણાશે, તો તેને ૮ વર્ષ માટે બ્લેકલિસ્ટ (Blacklist) કરવામાં આવશે. ઉપરાંત, કંપનીના ડિરેક્ટર કે મેનેજર દોષિત ઠરશે તો તેમને પણ ૧૦ વર્ષની જેલ અને ૧૦ કરોડનો દંડ થશે.
જો કોઈ ખાનગી કોચિંગ સંસ્થા (Coaching Institute) આ ષડયંત્રમાં સામેલ જણાશે, તો તેની મિલકતો જપ્ત કરવામાં આવશે.
નંદન નિલેકણીની અધ્યક્ષતામાં હાઇ પાવર ટાસ્ક ફોર્સ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વીડિયો સંદેશ જાહેર કરીને પેપર લીક રોકવા માટે એક હાઇ પાવર ટાસ્ક ફોર્સ (High Power Task Force) ના ગઠનની જાહેરાત કરી છે. આ ૬ સભ્યોની કમિટીનું નેતૃત્વ નંદન નિલેકણી કરશે, જે પરીક્ષા પદ્ધતિમાં ટેકનોલોજી (Technology) નો ઉપયોગ કરીને પારદર્શિતા લાવવાના ઉપાયો સૂચવશે.
વડાપ્રધાને સ્પષ્ટ કર્યું છે કે પેપર લીકના દોષિતોને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં આવશે નહીં અને કેસોના ઝડપી નિકાલ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ (Fast Track Court) પણ બનાવવામાં આવી છે.
વિપક્ષી દળોનો હંગામો અને ઇન્ડિયા (INDIA) બ્લોકની બેઠક
સરકારની આ કાયદાકીય પહેલ વચ્ચે વિપક્ષી દળોએ સંસદના બંને ગૃહમાં ભારે વિરોધ અને હંગામો ચાલુ રાખ્યો છે. વિપક્ષનો આરોપ છે કે માત્ર કાયદા બનાવવાથી મૂળ સમસ્યા દૂર નહીં થાય.
બિલ અંગે પોતાની સંયુક્ત વ્યૂહરચના (Strategy) ઘડવા માટે સંસદ ભવનમાં મલ્લિકાર્જુન ખડગેની ચેમ્બરમાં 'ઇન્ડિયા' (INDIA Block) ગઠબંધનના અગ્રણી નેતાઓની બેઠક યોજાઈ હતી. વિપક્ષના આ સતત હંગામા અને નારેબાજીને કારણે રાજ્યસભા (Rajya Sabha) ની કામગીરી બપોરે ૨ વાગ્યા સુધી સ્થગિત કરવી પડી હતી.

