VIDEO: સંસદ ભવન પાસે પ્રદર્શનકારીઓ ઉપર લાઠીચાર્જ, અનેક વિદ્યાર્થીઓ ઘાયલ, દિલ્હી પોલીસના જવાનો પણ પથ્થરમારામાં ઈજાગ્રસ્ત
આજથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસું સત્રની સાથે જ દેશની રાજધાની દિલ્હીમાં રાજકીય અને સામાજિક ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. નીટ (NEET) પેપર લીક કૌભાંડ, પરીક્ષાઓમાં ગોટાળા અને દેશમાં સતત વધતી બેરોજગારીના વિરોધમાં ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) દ્વારા આજે 20 જુલાઈથી ‘ચલો સંસદ’ માર્ચનું આહ્વાન કરવામાં આવ્યું છે. દેશભરમાંથી હજારો વિદ્યાર્થીઓ, ઉમેદવારો અને વાલીઓ રવિવાર સાંજથી જ જંતર-મંતર ખાતે ભેગા થવાનું શરૂ થઈ જતાં દિલ્હી પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગઈ છે.
દિલ્હીમાં ચાલી રહેલા આંદોલનની વચ્ચે કોકરોચ જનતા પાર્ટીના પ્રવક્તા સૌરવ દાસે દાવો કર્યો છે કે, અભિજીત દીપકેની અટકાયત કરવામાં આવી છે. કોકરોચ જનતા પાર્ટીની માર્ચ સંસદ ભવન નજીક પહોંચી ગઇ છે. પોલીસે તેમને રોકવા માટે સંસદ પાસે ટિયર ગેસનો ઉપયોગ કર્યો અને તમામ ગેટ્સ પાસે સુરક્ષા વધારી દેવામાં આવી છે. પ્રદર્શનકારીઓ રાજીવ ચોક અને મંડી હાઉસ મેટ્રો સ્ટેશનમાં ઘૂસી ગયા. ઘણા લોકો બેરિકેડિંગ તોડીને પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચ્યા. ત્યારબાદ તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા.
આજે વહેલી સવારે સંસદ માર્ગ (પાર્લામેન્ટ સ્ટ્રીટ) નજીક આંદોલનકારીઓ સાથે થયેલી અથડામણમાં દિલ્હી પોલીસના એક સબ ઈન્સ્પેક્ટર ઘાયલ થયા છે. તેમણે જણાવ્યું હતું કે, "અમે બેરિકેડ્સ નજીક ઉભા હતા, તે દરમિયાન તેમના દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો."
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલ્હીમાં CJPના પ્રદર્શન વચ્ચે ગૃહ સચિવ, દિલ્હી પોલીસ કમિશનર અને IB ચીફની બેઠક ચાલી રહી છે.
બીજી તરફ દિલ્હીમાં ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે ચાલી રહેલા આંદોલનની વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રીએ આજે ધર્મેન્દ્ર પ્રધાન સાથે બેઠક કરી છે. CJPના સ્થાપક અભિજીત દીપકેએ ભૂખ હડતાળ સમાપ્ત કરી દીધી છે. તેમણે કહ્યું કે જો સોનમ વાંગચુકને જલ્દી જંતર-મંતર મોકલવામાં નહીં આવે, તો તેઓ સંસદ માર્ચ માટે નીકળી જશે.
વાંગચુક સફદરજંગ હોસ્પિટલમાં દાખલ છે. આજે તેમની ભૂખ હડતાળનો 23મો દિવસ છે. વાંગચુકે હોસ્પિટલ પ્રશાસનને પત્ર લખીને કહ્યું, ‘સંસદ માર્ચમાં જવું છે, મને ડિસ્ચાર્જ કરો.’

