નવી રેન્ટ-એ-કેબ યોજના 2026નો પ્રસ્તાવ: ગ્રાહકો, ડ્રાઇવરો અને સંચાલકો માટે શું બદલાશે?

દેશમાં કાર ભાડે આપવાના વ્યવસાય (Rent-a-Cab Business) માટે કેન્દ્ર સરકાર નવી નીતિ લાવવાની તૈયારી કરી રહી છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) દ્વારા રેન્ટ-એ-કેબ યોજના 2026નો મુસદ્દો (Draft) રજૂ કરવામાં આવ્યો છે. આ યોજના અમલી બનશે તો વર્ષ 1989ના જૂના નિયમોનું સ્થાન લેશે. તેમાં ડ્રાઇવર સાથે અથવા ડ્રાઇવર વગર કાર ભાડે આપતી કંપનીઓને આવરી લેવામાં આવશે. મંત્રાલયે આ મુસદ્દા અંગે સૂચનો અને વાંધા રજૂ કરવાની છેલ્લી તારીખ 5 ડિસેમ્બર, 2026 નક્કી કરી છે. પ્રસ્તાવિત યોજના 1 જાન્યુઆરી, 2027થી લાગુ કરવાની જોગવાઈ છે, જોકે અંતિમ નિયમો હજુ જાહેર થયા નથી.
ગ્રાહકોને 24 કલાક મદદ અને ફરિયાદનો ઝડપી ઉકેલ
નવા મુસદ્દા મુજબ, કેબ ઓપરેટરોએ 24 કલાક કાર્યરત ગ્રાહક સેવા કેન્દ્ર (Customer Care Centre) રાખવું પડશે. વેબસાઇટ પર સંપર્કની વિગતો પણ આપવી પડશે. ઓનલાઇન નોંધાયેલી ફરિયાદોનો 24 કલાકમાં ઉકેલ લાવવો જરૂરી બનશે. ડ્રાઇવર સામે નિયમભંગની ફરિયાદ હોય તો તેની તપાસ સાત દિવસમાં પૂર્ણ કરવાની રહેશે. પ્રવાસ દરમિયાન કાર બગડે તો કંપનીએ રિપેરિંગ અને ટોઇંગ (Towing)ની વ્યવસ્થા કરવી પડશે. મુસાફરોને જરૂરી મદદ પણ પૂરી પાડવી પડશે.
વાહનો અને ડ્રાઇવરો માટે કડક નિયમો
ભાડે અપાતી કાર પ્રથમ રજિસ્ટ્રેશનથી નવ વર્ષથી જૂની ન હોવી જોઈએ. તેની પાસે માન્ય ફિટનેસ અને પ્રદૂષણ પ્રમાણપત્ર, વ્યાપક વીમો (Comprehensive Insurance), લોકેશન ટ્રેકર અને ફર્સ્ટ એઇડ કિટ હોવી જરૂરી રહેશે. બાળકો સાથે મુસાફરી કરતા પરિવારો માટે ઓછામાં ઓછી એક સીટ પર ચાઇલ્ડ રિસ્ટ્રેઇન્ટ લગાવવાની સુવિધા પણ આપવી પડશે. કંપનીના ડ્રાઇવર પાસે માન્ય લાઇસન્સ, બાકી ચલણ ન હોય અને પોલીસ વેરિફિકેશન થયેલું હોવું જરૂરી રહેશે.
પાંચ કારથી શરૂ કરી શકાશે વ્યવસાય
હાલના નિયમોમાં 50 કારની જરૂરિયાત સામે નવા મુસદ્દામાં ઓછામાં ઓછી પાંચ કારથી વ્યવસાય શરૂ કરવાની જોગવાઈ છે. દરેક મંજૂર સ્થળે ઓછામાં ઓછી બે કાર રાખવી પડશે. લાઇસન્સ માટે રૂ. 25 હજાર ફી અને પાંચ વર્ષની માન્યતાની જોગવાઈ છે. અરજી પર નિર્ણય લેવા સત્તાધિકારીઓને 60 દિવસ મળશે. નિયમભંગ બદલ લાઇસન્સની મુદત ઘટાડવા અથવા સસ્પેન્ડ કરવાની જોગવાઈ પણ છે. નવા નિયમો અંતિમ થાય તે પહેલાં ગ્રાહકો અને વ્યવસાયિકો 5 ડિસેમ્બર સુધી પોતાના સૂચનો રજૂ કરી શકશે.





