VIDEO: ભાઈ રાહુલ માટે ‘સ્ટ્રીટ ફાઈટર’ બન્યા પ્રિયંકા ગાંધી ! ગેટ પર ચઢી ગયાં, પોલીસ જોતી રહી અને પછી...
દિલ્હીમાં 6 ઓક્ટોબરે INDIA બ્લોકના વિપક્ષી સાંસદોના વિરોધ દરમિયાન રાજકીય માહોલ ગરમાયો હતો. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે રાહુલ ગાંધીની આગેવાનીમાં વિપક્ષી સાંસદોએ સંસદથી ચૂંટણી પંચની કચેરી સુધી કૂચ કરી હતી. પોલીસ સાથે ઘર્ષણ અને અટકાયત બાદ મોડી રાત્રે કિંગ્સવે કેમ્પમાં હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો.
રાહુલ ગાંધી સહિત નેતાઓની અટકાયત
પોલીસે રાહુલ ગાંધી સહિત વિપક્ષના અનેક નેતાઓને કસ્ટડીમાં લઈને ન્યૂ પોલીસ લાઇન, કિંગ્સવે કેમ્પ ખાતે રાખ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા પણ ત્યાં પહોંચ્યાં હતા. ભાઈ રાહુલ ગાંધીને મળવા માટે તેમણે ડિટેન્શન સેન્ટરના ગેટ પર ચઢીને અંદર જવાનો પ્રયાસ કર્યો હતો.
ગેટ પર ચઢ્યાં પ્રિયંકા ગાંધી
પ્રિયંકા ગાંધી લાંબા સમય સુધી ગેટ પર ઊભાં રહ્યાં અને ગેટ ખોલાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાસ્થળે હાજર પોલીસકર્મીઓ તેમની સામે કાર્યવાહી કરવાને બદલે સ્થિતિને જોતા રહ્યા હતા. અંતે પોલીસે ગેટ ખોલવો પડ્યો હતો. ગેટ ખુલ્યા બાદ કોંગ્રેસના કાર્યકરો અને અન્ય પ્રદર્શનકારીઓ પણ અંદર પ્રવેશ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ ચર્ચામાં આવ્યો હતો.
આકાશવાણી ભવન પાસે ધરણાં
આ પહેલાં INDIA બ્લોકના સાંસદો સંસદથી ચૂંટણી પંચની કચેરી તરફ કૂચ કરી રહ્યા હતા. પોલીસે તેમને આકાશવાણી ભવન પાસે રોકી દીધા હતા. ત્યારબાદ રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓ ત્યાં જ ધરણા પર બેસી ગયા હતા. આ વિરોધ આઠ કલાકથી વધુ સમય સુધી ચાલ્યો હતો. અંતે પોલીસે પ્રદર્શનકારીઓને હટાવીને કસ્ટડીમાં લીધા હતા.
પોલીસનો દાવો, પરવાનગી લેવામાં આવી નહોતી
દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે વિરોધ પ્રદર્શન માટે લેખિત મંજૂરી લેવામાં આવી નહોતી. BNSSની કલમ 163ના ઉલ્લંઘન અને આકાશવાણી ભવનમાં પરવાનગી વિના પ્રવેશના આરોપસર 10 સાંસદો સહિત આશરે 260 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
ચૂંટણી પંચે શું કહ્યું?
ચૂંટણી પંચે જણાવ્યું હતું કે સાંજે 4 વાગ્યા સુધી કોઈ પક્ષે મુલાકાત માટે લેખિત સમય માંગ્યો નહોતો. ત્યારબાદ દિલ્હી પોલીસ મારફતે 240 સાંસદોના પ્રતિનિધિમંડળ અને સંસદ ભવન એનેક્સીમાં બેઠક યોજવાની માહિતી મળી હતી. સુરક્ષા અને વ્યવસ્થાકીય કારણોસર આ પ્રસ્તાવ સ્વીકારાયો નહોતો. જોકે, પંચે આવેદનપત્ર સ્વીકારવા માટે વરિષ્ઠ અધિકારી મોકલવાની ઓફર કરી હતી, જેને સાંસદોએ સ્વીકારી નહોતી.
પ્રિયંકા ગાંધીનો સરકાર પર આરોપ
પ્રિયંકા ગાંધીએ આરોપ લગાવ્યો કે વિપક્ષ ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિ અને મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગને લઈને મુલાકાત કરવા માંગતો હતો, પરંતુ સરકાર વિપક્ષનો અવાજ દબાવવા પોલીસનો ઉપયોગ કરી રહી છે.
રાહુલ ગાંધીએ પણ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે લોકશાહીના ગદ્દારોને બચાવવા માટે બાકી રહેલી લોકશાહીને પણ ઘસડવામાં આવી રહી છે અને તેનો હિસાબ થશે.
મહુઆ મોઇત્રા સહિત નેતાઓના આક્ષેપ
દરમિયાન મહુઆ મોઇત્રાએ દિલ્હી પોલીસ પર ગેરવર્તન કરવાનો અને સાંસદોને જબરદસ્તી બસમાં બેસાડીને કિંગ્સવે કેમ્પ લઈ જવાનો આરોપ લગાવ્યો. ડેરેક ઓ’બ્રાયને જણાવ્યું કે કસ્ટડીમાં લેવાયેલા તમામ સાંસદોને મુક્ત કરી દેવામાં આવ્યા છે.
પવન ખેડાએ મુખ્ય ચૂંટણી કમિશનર પર નિશાન સાધતાં વિરોધ ચાલુ રાખવાની ચેતવણી આપી હતી. પી. ચિદમ્બરમે પણ જ્ઞાનેશ કુમાર નેતા વિપક્ષને મળવાથી કેમ બચી રહ્યા છે તે અંગે સવાલ ઉઠાવ્યો હતો.
હવે મકર દ્વારથી રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ?
કૉંગ્રેસે હવે મકર દ્વાર પર વિરોધ પ્રદર્શન અને રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરવાની તૈયારી શરૂ કરી હોવાનું જણાવ્યું છે. જોકે, આ માટે ચોક્કસ દિવસ અને સમય હજુ નક્કી કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં વિપક્ષ અને સરકાર વચ્ચેનો રાજકીય ટકરાવ આગામી દિવસોમાં વધુ ઉગ્ર બનવાની શક્યતા છે.

