'જે પુરુષ મને ત્રણ મહિનામાં ગર્ભવતી બનાવશે તેને...', પ્રેગ્નેન્ટ જોબ કૌભાંડનો ભાંડો ફૂટ્યો
સોશિયલ મીડિયાની ચમકતી દુનિયામાં આજકાલ નોકરીના અનેક કૌભાંડો જોવા મળે છે. પુણેના એક 44 વર્ષીય કોન્ટ્રાક્ટરે પણ આવી નકલી જાહ

સોશિયલ મીડિયાની ચમકતી દુનિયામાં આજકાલ નોકરીના અનેક કૌભાંડો જોવા મળે છે. પુણેના એક 44 વર્ષીય કોન્ટ્રાક્ટરે પણ આવી નકલી જાહેરાતનો શિકાર બનતાં લાખો રૂપિયા ગુમાવ્યા છે. સોશિયલ મીડિયાની જાહેરાતમાં મહિલાએ લખ્યું, "મને એક એવા પુરુષની જરૂર છે જે મને માતા બનાવી શકે." વાયદો હતો કે 25 લાખ રૂપિયાનું ઈનામ, બદલામાં બસ એટલું જ કે તે મહિલાને ગર્ભવતી કરી દે. પરંતુ હકિકતમાં આ એક છેતરપિંડીનું કૌભાંડ હતું. જેના પરિણામે પુણેના કોન્ટ્રાક્ટરે 11 લાખ રૂપિયા ગુમાવ્યા.
આ છેતરપિંડીની ઘટના ત્યારે સામે આવી જ્યારે ફરિયાદીને ખબર પડી કે તે સાયબર ફ્રોડ ગેંગનો શિકાર બન્યો છે. આ ઘટનામાં પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી છે. આ ઘટના માત્ર વ્યક્તિગત ષડયંત્રનું ઉદાહરણ નથી પણ સાયબર ગુનેગારોની નવી ચાલાકીને છતી કરે છે. પુણેના હડપસર વિસ્તારમાં રહેતા કોન્ટ્રાક્ટરે ફેસબુક પર એક જાહેરાત જોઈ.
જેમાં એક આકર્ષક મહિલાનો ફોટો હતો જે ગર્ભધારણ કરવામાં અસમર્થ હતી. જાહેરાતમાં તેણીએ કહ્યું, "મને બાળક જોઈએ છે, પણ પતિ નહીં. જે પુરુષ મને ત્રણ મહિનામાં ગર્ભવતી બનાવશે તેને 25 લાખ રૂપિયા, એક કાર અને ઘર મળશે. હું એવો પુરુષ ઇચ્છું છું જે મને માતા બનાવી શકે અને મને માતૃત્વનો આનંદ આપી શકે. મને કોઈ ફરક નથી પડતો કે તે શિક્ષિત છે, કઈ જાતિનો છે, અથવા તે ગોરો છે કે કાળો છે.
પુણેનો કોન્ટ્રાક્ટર આર્થિક તંગીથી કંટાળી ગયો હતો. તેણે વિચાર્યું કે આ કમાણીનો સરળ રસ્તો છે. તેણે આ જાહેરાતના અંતે આપેલા નંબર પર સંપર્ક કર્યો. ફોન રીસિવ કરનારે પોતાને પ્રેગ્નેન્ટ જોબ નામની કંપનીનો આસિસ્ટન્ટ બતાવી કહ્યું કે, મહિલાની સાથે રહેવા અને કામ શરૂ કરતા પહેલા તેણે કંપનીમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે. બાદમાં એક આઈડી પ્રૂફ જારી કરવામાં આવશે.
એ પછીથી કોન્ટ્રાક્ટર પાસે જુદા જુદા બહાને પૈસા માંગવામાં આવ્યા. જેમ કે રજીસ્ટ્રેશન ચાર્જ, આઈડી કાર્ડ ચાર્જ, વેરિફિકેશન ચાર્જ, જીએસટી, ટીડીએસ, પ્રોસેસિંગ ફી વગેરે નામે પૈસા પડાવ્યા. તપાસ અધિકારીએ જણાવ્યું કે, ફરિયાદીને એવી રીતે ફોસલાવાયો કે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહથી લઈને 23 ઓક્ટોબર સુધીમાં 100થી વધુ વખત નાના નાના ટ્રાન્જેક્શન કરતો રહ્યો. જેની કુલ રકમ 11 લાખ રૂપિયા પહોંચી ગઈ. તમામ ચૂકવણી યુપીઆઈ અને આઈએમપીએસ ટ્રાન્સફર થકી કરવામાં આવી. જ્યારે ફરિયાદીએ સામા સવાલો કરવાનું ચાલુ કર્યું તો ફ્રોડ કરનારી ગેંગે તેને બ્લોક કરી દીધો. એ પછી તેને ભાન થયું કે તે સાઈબર ફ્રોડનો ભોગ બન્યો છે. જે પછી તેણે પોલીસ ફરિયાદ નોંધાવી.
દેશભરમાં છેતરપિંડી કરતી ગેંગ સક્રિય
એક સાયબર તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી દેશના વિવિધ ભાગોમાં "પ્રેગ્નન્સી જોબ સર્વિસ" જેવી નકલી જાહેરાતો દેખાઈ રહી છે. છેલ્લા 3 વર્ષથી આવી ફ્રોડની ઘટનાઓ ઝડપી વધી રહી છે. વીડિયોમાં મહિલાઓ ગર્ભવતી થવા માટે મોટી રકમ ચૂકવવા તૈયાર હોવાનો દાવો કરતી જોવા મળે છે. આ જાહેરાતોથી પ્રભાવિત પુરુષો પાસેથી પહેલા નોંધણી ફી વસૂલવામાં આવે છે અને પછી તબીબી પરીક્ષણો, કાનૂની ઔપચારિકતાઓ અથવા સુરક્ષા ડિપોઝિટ માટે મોટી રકમ વસૂલવામાં આવે છે. પૈસા મળ્યા પછી ફ્રોડ કરનારાઓ છૂમંતર થઈ જાય છે.
બિહાર, ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં પોલીસે આવા અનેક કેસોમાં ધરપકડ કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ સાયબર ગુનેગારો દેશભરમાં લોકોને છેતરવા માટે સોશિયલ મીડિયા અને નકલી વીડિયો જાહેરાતોનો ઉપયોગ કરી રહ્યા છે. પુણે પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયા પર આવી ભ્રામક અને વાંધાજનક જાહેરાતોનો શિકાર ન બને અને કોઈપણ શંકાસ્પદ લિંક્સ, કૉલ્સ અથવા ઑફર્સની તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 અથવા www.cybercrime.gov.in પર જાણ કરે.








