VIDEO: ‘ઇસ્લામ સૌથી શ્રેષ્ઠ ધર્મ’ના નિવેદનથી કર્ણાટકમાં રાજકીય ગરમાવો, કોંગ્રેસના મંત્રી પાસે ભાજપે માગ્યું રાજીનામું
બેંગલુરુ: કર્ણાટક (Karnataka)માં કોંગ્રેસ સરકાર ફરી એકવાર વિવાદમાં ઘેરાઈ છે. રાજ્યના ઉચ્ચ શિક્ષણ મંત્રી બસવરાજ રાયારેડ્ડી (Basavaraj Rayareddy)ના એક નિવેદનને લઈને રાજકીય વિવાદ ઊભો થયો છે. રિપોર્ટ્સ અનુસાર, મંત્રીએ એક કાર્યક્રમ દરમિયાન ઇસ્લામ (Islam)ને અન્ય તમામ ધર્મો કરતાં શ્રેષ્ઠ ગણાવતું નિવેદન આપ્યું હતું. આ નિવેદન સામે ભાજપે (BJP) ભારે વાંધો ઉઠાવીને મંત્રી પાસે માફીની માંગ કરી છે અને જરૂર પડે તો તેમને કેબિનેટમાંથી હટાવવાની પણ માંગ કરી છે.
શું કહ્યું હતું બસવરાજ રાયારેડ્ડીએ?
કોપ્પલ જિલ્લાના કુકનૂર શહેરમાં આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન દરમિયાન બસવરાજ રાયારેડ્ડીએ ઇસ્લામ વિશે વાત કરી હતી. અહેવાલો અનુસાર તેમણે કહ્યું હતું કે જે લોકો ઇસ્લામ વિશે જાણતા નથી, તેઓ તેના વિશે ખોટી ધારણાઓ અને અભિપ્રાયો બનાવે છે.
મંત્રીએ કથિત રીતે ઇસ્લામને અન્ય ધર્મો કરતાં શ્રેષ્ઠ ગણાવતા કહ્યું હતું કે તેની શરૂઆત માનવતાથી થાય છે. તેમણે ઇસ્લામને ‘વૈજ્ઞાનિક ધર્મ’ (Scientific Religion) ગણાવીને કહ્યું હતું કે તે લોકોને યોગ્ય રીતે જીવન જીવવાનું શીખવે છે.
રાયારેડ્ડીએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ ભલે વધારે મંદિરો કે મઠોમાં જતા ન હોય, પરંતુ વિવિધ ધર્મો અને તેમના ઇતિહાસનો અભ્યાસ કરે છે. તેમણે મક્કા (Mecca) જવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. જોકે, ધર્મ પરિવર્તન સાથે જોડાયેલી પરંપરાને કારણે તેઓ ત્યાં જઈ શકતા નથી તેમ તેમણે જણાવ્યું હતું.
ભાજપે કોંગ્રેસ સરકારને ઘેરી
મંત્રીના નિવેદન બાદ કર્ણાટકમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. ભાજપે આ નિવેદનને લઈને કોંગ્રેસ (Congress) સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે. કર્ણાટક વિધાનસભામાં વિપક્ષના નેતા આર. અશોકે (R Ashoka) મંત્રીના નિવેદન સામે સખત વાંધો નોંધાવ્યો છે.
આર. અશોકે આ નિવેદનને સનાતન ધર્મનું અપમાન ગણાવીને મંત્રીને પોતાનું નિવેદન પાછું ખેંચવા અને હિંદુ સમાજની માફી માગવાની માંગ કરી છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે જો કોંગ્રેસ સરકારનો કોઈ મંત્રી સનાતન ધર્મ અને મઠ-મંદિરો અંગે અપમાનજનક નિવેદન કરે છે, તો મુખ્યમંત્રી શા માટે મૌન છે?
ભાજપે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો બસવરાજ રાયારેડ્ડી માફી નહીં માગે તો મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ (Siddaramaiah) તેમને તાત્કાલિક કેબિનેટમાંથી બરતરફ કરવા જોઈએ.
કોંગ્રેસ સામે તુષ્ટિકરણના આક્ષેપ
ભાજપના નેતાઓએ આ સમગ્ર મુદ્દાને કોંગ્રેસની ‘તુષ્ટિકરણની રાજનીતિ’ (Appeasement Politics) સાથે પણ જોડ્યો છે. ભાજપના પ્રવક્તા અશોક ગૌડાએ મંત્રીના નિવેદન પર ટીકા કરતાં આરોપ લગાવ્યો કે તેઓ પોતાના મતદારોને ખુશ કરવા માટે આવી વિચારધારા રજૂ કરી રહ્યા છે.
હાલ આ નિવેદનને લઈને કર્ણાટકના રાજકારણમાં આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો છે. ભાજપ મંત્રીની માફી અને રાજીનામાની માંગ પર અડગ છે, જ્યારે આ મામલે કોંગ્રેસ તરફથી સત્તાવાર પ્રતિક્રિયા પર રાજકીય વર્તુળોની નજર છે.

