VIDEO: લોકસભા બેઠકો વધારવા PM મોદીનો મેગા પ્લાન, પરંતુ બહુમતીના આંકડાથી NDA માત્ર 6 કદમ દૂર! સમર્થન મેળવવા અમિત શાહ એક્ટિવ
સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે. આ સત્ર દરમિયાન મોદી સરકાર લોકસભાની બેઠકો વધારવા માટેનું સીમાંકન બિલ અને મહિલા અનામત બિલ ફરી રજૂ કરી શકે તેવી શક્યતા છે. આ બિલ પાસ કરાવવા માટે સંસદમાં બે-તૃતિયાંશ બહુમતી એટલે કે 360 સાંસદોના સમર્થનની જરૂર છે. આ અગાઉ એપ્રિલમાં યોજાયેલા વિશેષ સત્રમાં પૂરતી સંખ્યા ન હોવાને કારણે સરકાર આ બિલ પાસ કરાવી શકી નહોતી, પરંતુ હવે ત્રણ મહિના પછી સરકાર ફરીથી તેને પાસ કરાવવાની તૈયારી કરી રહી છે. સરકારને ઘેરવા માટે કોંગ્રેસે પણ અન્ય વિરોધ પક્ષો સાથે મળીને પોતાની રણનીતિ ઘડવાનું શરૂ કરી દીધું છે.
બે-તૃતિયાંશ બહુમતી માટે ભાજપનો ધમધમાટ
ચોમાસુ સત્રને ધ્યાનમાં રાખીને ભાજપ નેતૃત્વએ બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના નિવાસ્થાને એક મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) અને સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ (B.L.Santhosh) હાજર રહ્યા હતા. આ બેઠકમાં સત્રની વ્યૂહરચના અને સંસદમાં રજૂ થનારા વિધેયકો પર વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ સિવાય સંગઠનમાં ટૂંક સમયમાં થનારા ફેરફારો અંગે પણ મંથન થયું હોવાના સંકેત છે.
બહુમતીના આંકડાથી NDA 6 કદમ દૂર
લોકસભામાં હાલ 3 બેઠકો ખાલી હોવાથી બંધારણીય સુધારા માટે 360 સભ્યોના સમર્થનની જરૂર છે. હાલના આંકડા મુજબ ભાજપની આગેવાની હેઠળના NDA પાસે 293 સાંસદોનું સમર્થન છે. જો તૃણમૂલ કોંગ્રેસથી અલગ થયેલા NCPIના 20 સાંસદો અને ડીએમકે ના 22 સાંસદો સરકારને ટેકો આપે, તો આ સંખ્યા 335 સુધી પહોંચી શકે છે. આ સિવાય વાયએસઆરસીપી (YSRCP)ના 4 સાંસદો, એક અપક્ષ અને ઉદ્ધવ ઠાકરે જૂથના એકનાથ શિંદે (Eknath Shinde) સાથે આવેલા 6 સાંસદોનો ટેકો મળતા આ આંકડો 346 થઈ શકે છે. જો શરદ પવારની પાર્ટીના 8 સાંસદો પણ સમર્થન આપે તો સરકાર 354 ના આંકડા પર પહોંચી શકે છે. આમ, બે-તૃતિયાંશ બહુમતી માટે સરકારને હજુ વધુ 6 સાંસદોના સમર્થનની જરૂર પડશે.
સમર્થન મેળવવા અમિત શાહ એક્ટિવ
આ જરૂરી આંકડો મેળવવા માટે ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે બેઠકો કરી છે. બીજી તરફ, વિપક્ષી ખેમામાંથી સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ શરતો સાથે બિલને સમર્થન આપવાની વાત કરી છે, જે સ્વીકારવી સરકાર માટે મુશ્કેલ છે. જ્યારે ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉત (Sanjay Raut) સંકેત આપતા કહ્યું કે, 'જો સરકાર અમારી માંગણીઓ સ્વીકારશે, તો અમે સમર્થન આપવા અંગે વિચારીશું.' ઉદ્ધવ જૂથ પાસે 3 સાંસદો છે. જો તેમનો ટેકો મળે અને મમતા બેનર્જી (Mamata Banerjee)ના પક્ષના કેટલાક સાંસદો સહકાર આપે તો સરકાર સરળતાથી બહુમતી મેળવી શકે છે.
19 જુલાઈએ સર્વપક્ષીય બેઠક
ચોમાસા સત્રમાં વિપક્ષનો સહકાર મેળવવા માટે સરકારે 19 જુલાઈએ સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં સરકાર તમામ પક્ષોને સત્રના એજન્ડા અને રજૂ થનારા વિધેયકોની માહિતી આપશે. ત્યારબાદ 20 જુલાઈથી સત્રની શરૂઆત થશે અને 21 જુલાઈએ NDA સંસદીય દળની બેઠક યોજાશે, જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધિત કરશે.

