VIDEO: દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે PM મોદી માંફી માંગે, રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર
દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP) ના પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ એક્શન અને લાઠીચાર્જને લઈને વિપક્ષે કેન્દ્ર સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મૌન પર સવાલો ઉઠાવતા આ ઘટનાને ‘અન-ઈન્ડિયન’ (ગેર-ભારતીય) ગણાવી છે અને વડાપ્રધાન મોદી પાસે વિદ્યાર્થીઓની માફી માંગવાની માંગ કરી છે.
‘પરીક્ષા સિસ્ટમ ઉધઈથી ખોખલી થઈ ગઈ છે’: રાહુલ ગાંધી
માધ્યમો સાથેની વાતચીતમાં આકરા પ્રહાર કરતાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, "વિદ્યાર્થીઓને માર મારવો સંપૂર્ણપણે બિન-ભારતીય વર્તન છે. ગઈકાલની ઘટના પર પીએમ મોદીએ માફી પણ માંગી નથી." તેમણે દેશની પરીક્ષા સિસ્ટમ અંગે ઉમેર્યું કે, "ઈન્ડિયાની ટેસ્ટિંગ સિસ્ટમ અસ્તિત્વ ગુમાવી ચૂકી છે અને ઉધઈથી ખોખલી થઈ ગઈ છે. શિક્ષણ મંત્રી તો માત્ર મધ્યસ્થી છે, પરંતુ વિદ્યાર્થીઓને ગૃહ મંત્રાલય હેઠળની પોલીસે માર માર્યો છે. જેથી ગૃહમંત્રી અમિત શાહે રાજીનામું આપવું જોઈએ અને તેઓ પીએમને રિપોર્ટ કરતા હોવાથી પીએમે પણ રાજીનામું આપવું જોઈએ." રાહુલ ગાંધીએ લોકસભા સ્પીકર ઓમ બિરલા પર પણ આક્ષેપ કર્યો હતો કે સંસદમાં આ મુદ્દે ચર્ચાની માંગ પર સ્પીકરે સરકારની પરવાનગી લેવાની વાત કરી હતી, જે લોકશાહી સામે મોટો સવાલ છે.
વિપક્ષી નેતાઓની આકરી પ્રતિક્રિયાઓ
અખિલેશ યાદવ: સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે એનડીએ સરકારની સરખામણી હિટલરના શાસન સાથે કરતાં આરોપ લગાવ્યો કે સરકારે વિદ્યાર્થીઓ સામે પોતાની ખાનગી સેના (પ્રાઈવેટ આર્મી) નો ઉપયોગ કર્યો છે.
પ્રિયંકા ગાંધી: કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે, પેપર લીક હવે સામાન્ય બાબત બની ગઈ છે. માતા-પિતા લોન લઈને બાળકોને ભણાવે છે ત્યારે તેમની ચિંતા અને યુવાનોના ભવિષ્ય સાથે રમવા બદલ કોઈ કડક પગલાં લેવામાં આવતાં નથી.
અરવિંદ કેજરીવાલ: આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલે કહ્યું કે, શિક્ષણ વ્યવસ્થા સુધારવાના બદલે કેન્દ્ર સરકારે દેશના યુવાનો સામે જંગ જાહેર કરી દીધો છે.
મલ્લિકાર્જુન ખડગે: રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ સંસદમાં વિપક્ષનો અવાજ દબાવવાનો અને ટીયર ગેસ તથા લાઠીચાર્જથી અરાજકતા ફેલાવવાનો આક્ષેપ કર્યો હતો.
ઘટના બાદ રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાએ RML અને લેડી હાર્ડિંજ હોસ્પિટલ પહોંચીને ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી.

