VIDEO: "રાતોરાત હોસ્પિટલમાંથી મૃતદેહ ઉઠાવી અંતિમ સંસ્કાર કરી દીધા! પૂર્વ સીએમ ચન્નીના આક્ષેપથી પંજાબમાં ભૂકંપ"
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના સાંસદ ચરણજીત સિંહ ચન્નીએ ગુલઝાર સિંહ કેસ મામલે આમ આદમી પાર્ટીની સરકાર પર અત્યંત ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે આ સમગ્ર કેસની સીબીઆઈ તપાસની માગણી કરી છે તેમજ કેબિનેટ મંત્રી હરપાલ ચીમા સામે સીધી કાર્યવાહી કરવાની માગ ઉઠાવી છે.
ચરણજીત સિંહ ચન્નીએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "અમે ઇચ્છીએ છીએ કે ગુલઝાર સિંહ કેસમાં સીબીઆઈ તપાસ થાય. કેબિનેટ મંત્રી હરપાલ ચીમાનું નામ એફઆઈઆરમાં સામેલ કરવામાં આવે, તેઓ તાત્કાલિક મંત્રી પદેથી રાજીનામું આપે અને તેમની ધરપકડ કરવામાં આવે."
પરિવારની મંજૂરી વિના અંતિમ સંસ્કાર કરી દેવાના આક્ષેપો પર બોલતા ચન્નીએ કહ્યું કે, પરિવારે અંતિમ સંસ્કાર માટે ક્યારેય સંમતિ આપી નહોતી. હું પોતે રાત્રે હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસ અને સરકારે દાદાગીરી કરીને ગુલઝારના મૃતદેહને બળજબરીપૂર્વક હોસ્પિટલમાંથી બહાર કાઢ્યો અને રાતોરાત અંતિમ સંસ્કાર કરાવી દીધા. આ બધું જ સરકારી દબાણ હેઠળ કરવામાં આવ્યું છે.
પંજાબ સરકાર પર ગેંગસ્ટરોને સંરક્ષણ આપવાનો સનસનાટીપૂર્ણ આરોપ લગાવતા ચન્નીએ વધુમાં ઉમેર્યું કે, "આમ આદમી પાર્ટી રાજ્યમાં ગેંગસ્ટરોને પ્રોત્સાહન આપી રહી છે. જેના પર 47ગુનાહિત કેસ નોંધાયેલા છે તેવા એક ગેંગસ્ટરનું આપ પાર્ટીએ હજારો લોકોની સામે મંચ પર ભવ્ય સ્વાગત કર્યું, તેને પક્ષમાં સામેલ કર્યો અને હવે તેને ચૂંટણી લડવા માટે ટિકિટ પણ આપવા જઈ રહી છે."

