પરિમલ નથવાણીના પુત્રની રાજકીય એન્ટ્રી, સપા UPથી આપશે રાજ્યસભાની ટિકિટ

લખનઉ : રાજ્યસભાની આગામી ચૂંટણીને લઈને ઉત્તર પ્રદેશના રાજકારણમાં મોટા ફેરફારના સંકેતો મળી રહ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણી ઉત્તર પ્રદેશથી સમાજવાદી પાર્ટી (SP)ના મેન્ડેટ પર રાજ્યસભા ચૂંટણી લડી શકે છે. ધનરાજ જાણીતા ઉદ્યોગપતિ અને રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીના પુત્ર છે. સપાના આ નિર્ણયથી ઉત્તર પ્રદેશની રાજ્યસભા ચૂંટણીમાં રાજકીય હલચલ વધી છે.
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ ઉત્તર પ્રદેશ સહિત ત્રણ રાજ્યોની કુલ 12 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. તેમાં ઉત્તર પ્રદેશની 10 બેઠકોનો સમાવેશ થાય છે. આ બેઠકો માટે 16 ઓક્ટોબરે મતદાન યોજાશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 6 ઓક્ટોબર નક્કી કરવામાં આવી છે.
ધનરાજ નથવાણી પાસે રિલાયન્સમાં મોટી જવાબદારી
ધનરાજ નથવાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ગ્રુપ પ્રેસિડેન્ટ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. તેઓ રિલાયન્સ ન્યૂ એનર્જી લિમિટેડમાં ડિરેક્ટર તરીકે પણ કાર્યરત છે. તેઓ રાજ્યસભાના સતત ચોથા કાર્યકાળમાં રહેલા સાંસદ અને જાણીતા ઉદ્યોગપતિ પરિમલ નથવાણીના પુત્ર છે.
UPમાં 10 બેઠકો માટે ચૂંટણી, 37 મતોની જરૂરિયાત
ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાની ખાલી થનારી 10 બેઠકોમાંથી હાલના વિધાનસભાના આંકડાકીય સમીકરણ પ્રમાણે ભાજપ પાસે 8 અને સમાજવાદી પાર્ટી પાસે 2 બેઠકો છે. એક ઉમેદવારને જીતવા માટે પ્રથમ પસંદગીના 37 મતોની જરૂર પડશે. રાજ્યમાં ભાજપના નેતૃત્વ હેઠળનું NDA ગઠબંધન સંખ્યાબળની દૃષ્ટિએ મજબૂત સ્થિતિમાં છે.
આ સ્થિતિ વચ્ચે સમાજવાદી પાર્ટી દ્વારા ધનરાજ નથવાણી જેવા કોર્પોરેટ ક્ષેત્રના ચહેરાને મેદાનમાં ઉતારવાની ચર્ચાએ ચૂંટણીના સમીકરણોને લઈને અટકળો તેજ કરી છે.
ભાજપ અને સપામાં ઉમેદવારોને લઈને ચર્ચા તેજ
ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ નજીક આવતા ભાજપ અને સમાજવાદી પાર્ટીમાં સંભવિત ઉમેદવારોના નામને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. ભાજપ તરફથી પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને વરુણ ગાંધી જેવા નામોની ચર્ચા થઈ રહી હોવાના અહેવાલો છે.
બીજી તરફ, સમાજવાદી પાર્ટી ધનરાજ નથવાણી ઉપરાંત પોતાના વરિષ્ઠ નેતા રામગોપાલ યાદવ અને પૂર્વ અમલદાર આલોક રંજનના નામ અંગે પણ વિચારણા કરી રહી હોવાનું જણાવાય છે.
6 ઓક્ટોબર સુધી ઉમેદવારી, 16મીએ મતદાન
ચૂંટણી કાર્યક્રમ મુજબ 6 ઓક્ટોબર ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે. 7 ઓક્ટોબરે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે અને 9 ઓક્ટોબર સુધી ઉમેદવારો પોતાનું નામ પાછું ખેંચી શકશે. જો જરૂરી બનશે તો 16 ઓક્ટોબરે સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન યોજાશે અને ત્યારબાદ મતગણતરી હાથ ધરવામાં આવશે.

