VIDEO: દહેરાદૂનમાં રાતભરના ભારે વરસાદથી તમસા નદી ગાંડીતૂર
ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂન અને આસપાસના પહાડી વિસ્તારોમાં રાતભર પડેલા મુશળધાર વરસાદને કારણે તમસા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. અવિરત વરસાદના પગલે તમસા નદી બે કાંઠે વહેવા લાગી છે અને તેનો ધસમસતો પ્રવાહ ભયજનક સપાટી વટાવી ગયો છે. નદીના પાણી આસપાસના નીચાણવાળા રહેણાંક વિસ્તારો તેમજ પ્રખ્યાત ટપકેશ્વર મહાદેવ મંદિર પરિસર નજીક પહોંચી જતાં સ્થાનિક લોકોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો છે. તંત્ર દ્વારા પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નદી કિનારે રહેતા લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે. રાજ્ય આપત્તિ નિવારણ દળ અને સ્થાનિક પોલીસની ટીમોને ઘટનાસ્થળે તૈનાત કરી દેવામાં આવી છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ વધુ વરસાદની આગાહી કરી હોવાથી વહીવટી તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

