VIDEO: "અમારું મરાઠી હિન્દુત્વ અલગ છે!" નવરાત્રિ પર VHP ના ફરમાન સામે આદિત્ય ઠાકરેનો સીધો પડકાર
મહારાષ્ટ્રમાં નવરાત્રિ ઉત્સવના આયોજનો સંદર્ભે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાને લઈને રાજકીય વિવાદ વધુ ગરમાયો છે. શિવસેના (UBT) ના નેતા આદિત્ય ઠાકરેએ આ મામલે VHP અને ભાજપ સામે આક્રમક વલણ અપનાવતા સ્પષ્ટ કર્યું છે કે કોઈ ચોક્કસ સંગઠનને અન્ય લોકો પર પોતાની સંસ્કૃતિ કે હિન્દુત્વ થોપવાનો અધિકાર નથી.
મીડિયા સાથે વાતચીત કરતાં આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું કે, "જ્યારે મેં આ મામલે અવાજ ઉઠાવ્યો ત્યારે ભાજપની ટ્રોલ સેના મારી પાછળ પડી ગઈ હતી. પરંતુ હવે તો રામદાસ આઠવલે અને અમૃતા ફડણવીસે પણ એ જ વાત કરી છે. મુદ્દો બિલકુલ સ્પષ્ટ છે કે આ કહેવાતી VHP અથવા જેણે પણ આ પ્રતિબંધો લાદ્યા છે, તેઓ એવું માને છે કે માત્ર તેમની સંસ્કૃતિ અને તેમનું હિન્દુત્વ જ સાચું હિન્દુત્વ છે."
તેમણે વિવિધતામાં એકતાનો હવાલો આપતા કહ્યું કે દેશના દરેક પ્રદેશની પોતાની વિશિષ્ટ સંસ્કૃતિ અને પોતાનું હિન્દુત્વ હોય છે. "અમારું મરાઠી હિન્દુત્વ અલગ છે, બંગાળનું અલગ હશે, પંજાબનું અલગ હશે, કેરળનું અલગ હશે અને કાશ્મીરનું પણ અલગ હશે. છતાં આપણે દરેક તહેવાર આપણી પોતાની પરંપરાગત રીતે ઉજવીએ છીએ. તમે ત્યાં તમારી રીતે તહેવાર ઉજવો, અને અમે અહીં અમારી રીતે ઉજવણી કરીશું."

