77માં ગણતંત્ર દિવસ પર સત્તાપક્ષ અને વિપક્ષે સોશિયલ મીડિયા પર પાઠવી શુભેચ્છાઓ, જાણો PM મોદીએ શું કહ્યું

નવી દિલ્હી: ભારત આજે 77મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યું છે. આખો દેશ દેશભક્તિના રંગમાં રંગાયેલો છે. આ અવસરે પીએમ મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજ નેતાઓએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.
પીએમ મોદીએ એક્સ (X) પર પોસ્ટ કર્યું કે, 'ગણતંત્ર દિવસ આપણી સ્વતંત્રતા, બંધારણ અને લોકતાંત્રિક મૂલ્યોનું સશક્ત પ્રતીક છે. આ પર્વ આપણને એકજૂથ થઈને રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે આગળ વધવાની નવી ઉર્જા અને પ્રેરણા આપે છે.
'પારતંત્ર્યાભિભૂતસ્ય દેશસ્યાભ્યુદયઃ કુતઃ। અતઃ સ્વાતંત્ર્યમાપ્તવ્યમૈક્યં સ્વાતંત્ર્યસાધનમ્॥'
આ અગાઉ પણ પીએમ મોદીએ લખ્યું હતું કે, 'તમામ દેશવાસીઓને ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભારતની આન-બાન અને શાનનું પ્રતીક એવો આ રાષ્ટ્રીય મહાપર્વ આપ સૌના જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર કરે. વિકસિત ભારતનો સંકલ્પ વધુ મજબૂત બને એવી કામના છે.'
![]()
રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક્સ પર લખ્યું, 'તમામ દેશવાસીઓને ગણતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છાઓ. આપણું બંધારણ દરેક ભારતીયનું સૌથી મોટું હથિયાર છે - આ જ આપણો અવાજ છે અને આપણા અધિકારોનું સુરક્ષા-કવચ છે. આના જ મજબૂત પાયા પર આપણું ગણતંત્ર ઉભું છે, જે સમાનતા અને સૌહાર્દથી જ સશક્ત થશે. બંધારણની રક્ષા એ જ ભારતીય ગણતંત્રની રક્ષા છે - જે આપણા સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને સાચી શ્રદ્ધાંજલિ છે. જય હિંદ! જય સંવિધાન!'
અમિત શાહ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ લખ્યું, 'સમસ્ત દેશવાસીઓને ગણતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છાઓ. આ અવસરે તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને મજબૂત લોકશાહીનો પાયો નાખનાર બંધારણના ઘડવૈયાઓને નમન કરું છું. આવો, મોદીજીના નેતૃત્વમાં બંધારણીય મૂલ્યોને વધુ સશક્ત બનાવી ‘વિકસિત ભારત’ બનાવવાનો સંકલ્પ લઈએ.'
અખિલેશ યાદવ
સપા પ્રમુખ અખિલેશ યાદવે ટ્વીટ કરીને લખ્યું, 'સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં આ એક અનોખો ગણતંત્ર દિવસ છે, જ્યારે તારીખ પણ 26 છે અને વર્ષ પણ 26 છે. તેથી આ વિશેષ ગણતંત્ર દિવસની વિશેષ શુભેચ્છાઓ! ચાલો આ અવસરે ગણતંત્રના આધાર એવા જનતંત્ર અને તેના આધાર ‘બંધારણ’ની રક્ષા કરવાનો વિશિષ્ટ સંકલ્પ લઈએ.'
રાજનાથ સિંહ
રક્ષામંત્રી રાજનાથ સિંહે લખ્યું, 'ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ! આજે આપણે એ બંધારણમાં આપણો વિશ્વાસ ફરીથી પાકો કરીએ છીએ જે આપણી લોકશાહી, એકતા અને રાષ્ટ્રીય ચરિત્રને વ્યાખ્યાયિત કરે છે. આપણે તે દૂરોગામી વિચાર ધરાવતા લોકોનું સન્માન કરીએ છીએ જેમણે આપણા ગણતંત્રને આકાર આપ્યો. ચાલો, એક મજબૂત, આત્મનિર્ભર અને પ્રગતિશીલ ભારત બનાવવાના સામૂહિક સંકલ્પ સાથે આગળ વધીએ.'
નીતિન ગડકરી
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ શુભેચ્છા પાઠવતા લખ્યું, 'આ રાષ્ટ્રીય પર્વ પર ચાલો આપણે મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરીએ અને આપણા બંધારણીય કર્તવ્યો પ્રત્યે કટિબદ્ધ રહેવાની પ્રતિજ્ઞા લઈએ.'
યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ પોસ્ટ કર્યું કે, '77માં ગણતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છાઓ. આપણો રાષ્ટ્રપ્રેમ, કર્તવ્યનિષ્ઠા અને વિકાસ પ્રત્યેનું સમર્પણ આપણી લોકશાહીને મજબૂત બનાવે છે. આવો, અમર સેનાનીઓને સ્મરણ કરવાની સાથે બંધારણના આદર્શોથી પ્રેરિત થઈને ‘સશક્ત, સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારત’ ના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થઈએ.'
અમેરિકાના વિદેશ મંત્રી રુબિયોએ ભારતને પાઠવી શુભેચ્છાઓ
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ભારતને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી અને સંરક્ષણ સહિતના ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે 'ક્વાડ' (Quad) હેઠળ થઈ રહેલા સહયોગની પ્રશંસા કરી. રુબિયોએ જણાવ્યું કે, અમેરિકા-ભારત સંબંધો સંરક્ષણ, ઉર્જા અને મહત્ત્વપૂર્ણ ખનિજો પર ગાઢ સહયોગ દ્વારા બંને દેશો માટે અને ‘ક્વાડ’ ના માધ્યમથી ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે ‘ઠોસ પરિણામો’ આપી રહ્યા છે.
તેમણે રવિવારે કહ્યું, ‘અમેરિકાના લોકો વતી હું ભારતના લોકોને તેમના ગણતંત્ર દિવસ પર હાર્દિક અભિનંદન આપું છું. અમેરિકા અને ભારત વચ્ચે ઐતિહાસિક સંબંધ છે. આપણી બહુસ્તરીય ભાગીદારી વાસ્તવિક પરિણામો લાવી રહી છે.’

