નીતિન ગડકરીની મોટી જાહેરાત: દેશમાં ટૂંક સમયમાં લોન્ચ થશે 100% ઈથેનોલથી ચાલતી કાર

કેન્દ્રીય રોડ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે તેમને 100 ટકા ઈથેનોલ પર ચાલવા સક્ષમ ટોયોટા ઇનોવા કારના લોન્ચિંગ માટે આમંત્રણ મળ્યું છે, જે આગામી ઓક્ટોબર મહિનામાં લોન્ચ થવા જઈ રહી છે. E20 પેટ્રોલને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે તેમણે ઈથેનોલ અને ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોના સમર્થનની વાત ફરી કરી હતી.
ઈથેનોલના ઉપયોગથી સસ્તું ઇંધણ અને ખેડૂતોને ફાયદો
દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં બોલતા નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે હાલ વિશ્વના 19 દેશોમાં ઈથેનોલનો ઉપયોગ થઈ રહ્યો છે અને હવે આ ઇંધણ વાપરતા વાહનો તરફથી કોઈ ફરિયાદો પણ મળી રહી નથી. ટોયોટાનું આ નવું વાહન 100 ટકા ઈથેનોલ પર ચાલશે અને તેમાં ઇલેક્ટ્રિફાઇડ પાવરટ્રેનનો ઉપયોગ કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર, આ વાહનને ચલાવવાનો ખર્ચ આશરે રૂ. 25 પ્રતિ લીટર પેટ્રોલની કિંમત જેટલો જ બેસી શકે છે.
ટોયોટાનું ઇલેક્ટ્રિફાઇડ ફ્લેક્સ-ફ્યુઅલ પ્રોટોટાઇપ
ટોયોટાએ તેની ભારતીય વેબસાઇટ પર ઓક્ટોબરના કોમર્શિયલ લોન્ચ અંગે અલગથી કોઈ જાહેરાત કરી નથી, પરંતુ ઓટોમેકર કંપની છેલ્લા કેટલાક વર્ષોથી આ ટેકનોલોજી પર કામ કરી રહી છે. અગાઉ ઓગસ્ટ 2023માં ટોયોટા કિર્લોસ્કર મોટરે દિલ્હીમાં ઇનોવા હાઇક્રોસ પર આધારિત ઇલેક્ટ્રિફાઇડ ફ્લેક્સ-ફ્યુઅલ પ્રોટોટાઇપ રજૂ કર્યો હતો. આ વાહનમાં ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન સાથે મજબૂત હાઇબ્રિડ ઇલેક્ટ્રિફાઇડ પાવરટ્રેન આપવામાં આવ્યું છે, જે E20થી વધુ ઈથેનોલ મિશ્રણ પર પણ કામ કરી શકે છે. કંપનીના જણાવ્યા અનુસાર, વિશિષ્ટ ટેસ્ટ કન્ડિશનમાં આ સ્ટ્રોંગ હાઇબ્રિડ સિસ્ટમ લગભગ 60 ટકા સમય માટે પેટ્રોલ એન્જિન બંધ રાખીને અને લગભગ 40 ટકા અંતર ઇલેક્ટ્રિફાઇડ મોડ પર કાપી શકે છે.History
દેશમાં ઈથેનોલ ઉત્પાદન અને કૃષિ ક્ષેત્રને વેગ
દિલ્હીના કાર્યક્રમમાં ગડકરીએ એવો પણ દાવો કર્યો હતો કે ઈથેનોલના વધુ ઉપયોગથી કૃષિ ક્ષેત્રની કાચી સામગ્રીની માંગમાં વધારો થશે. મકાઈમાંથી ઈથેનોલ બનાવવાના નિર્ણયથી ઉત્તર પ્રદેશ અને બિહારના ખેડૂતોને રૂ. 45,000 કરોડનો ફાયદો થયો છે. સરકારની નીતિ ઘરેલું ઈથેનોલ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને પરંપરાગત ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવાની હોવી જોઈએ. પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા દાયકામાં સરકારે ઈથેનોલ ઉત્પાદન માટે શેરડી આધારિત ઉત્પાદનો, નુકસાન પામેલા અનાજ, મકાઈ અને વધારાના ચોખા જેવા વિવિધ વિકલ્પોનો વ્યાપ વધાર્યો છે, જેના કારણે દેશમાં ઈથેનોલ ઉત્પાદન ક્ષમતા 2014ના 421 કરોડ લીટરથી વધીને 2026માં આશરે 2,000 કરોડ લીટર સુધી પહોંચી ગઈ છે.

