VIDEO: 'નવી સંસદને મત નહીં, નાવ જોઈએ છે', સંસદમાં પાણી ટપકતા રેણુકા ચોધારીનો કટાક્ષ
નવી દિલ્હીમાં (New Delhi) મંગળવારે ભારે વરસાદ વચ્ચે નવી સંસદ ભવન (New Parliament Building)ની અંદરથી પાણી ટપકતો વીડિયો સામે આવતા રાજકીય વિવાદ સર્જાયો છે. કોંગ્રેસના સાંસદ રેણુકા ચૌધરીએ (Renuka Chowdhury) આ મુદ્દે કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને લખ્યું કે, “નવા ભારતની નવી સંસદને મત નહીં, નાવ જોઈએ.”
ભારે વરસાદથી દિલ્હીમાં જળબંબાકાર
મંગળવારે દિલ્હીના (Delhi) અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું હતું અને ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઈ હતી. એઈમ્સ ફ્લાયઓવર, ભીકાજી કામા પ્લેસ, બાબા ખડક સિંહ માર્ગ, આરકે પુરમ અને શાંતિ પથ સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.
ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં મંગળવારે આશરે 7થી 11 સેન્ટિમીટર સુધી ભારે વરસાદ નોંધાયો હતો. બુધવારે પણ આકાશ વાદળછાયું રહેવાની અને કેટલાક વિસ્તારોમાં હળવાથી ખૂબ હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.
રેણુકા ચૌધરીએ સરકાર પર સાધ્યું નિશાન
નવી સંસદ ભવનમાં પાણી ટપકતો વીડિયો સામે આવ્યા બાદ રેણુકા ચૌધરીએ સરકારની કામગીરી પર સવાલ ઉઠાવ્યો છે. તેમણે પોતાના સંદેશમાં નવી સંસદની વ્યવસ્થાને લઈને વ્યંગ કર્યો હતો. તેમના કટાક્ષ બાદ રાજકીય ચર્ચા વધુ તેજ બની છે.
સદરમાં બજારમાં પણ પાણી ભરાયું
આ અગાઉ આમ આદમી પાર્ટીના (AAP) નેતા સૌરભ ભારદ્વાજે પણ દિલ્હીમાં પાણી ભરાવાને લઈને ભાજપ સરકારની ટીકા કરી હતી. તેમણે સદર બજારનો વીડિયો શેર કરીને દાવો કર્યો હતો કે દુકાનોમાં પાણી ઘૂસી જતાં વેપારીઓનો સામાન બગડી રહ્યો છે.
ભારદ્વાજે નાળા સફાઈના સરકારી દાવાઓ પર સવાલ ઉઠાવીને કહ્યું હતું કે દિલ્હીમાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.
દરમિયાન કોંગ્રેસના નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ (Randeep Singh Surjewala) ગુરુગ્રામમાં ભારે વરસાદ બાદ સર્જાયેલા જળબંબાકાર અને ટ્રાફિક જામને લઈને હરિયાણા સરકારની પણ ટીકા કરી છે. ભારે વરસાદને કારણે દિલ્હીમાં રાજકીય આરોપ-પ્રત્યારોપનો સિલસિલો વધુ તેજ બન્યો છે.

