VIDEO: સંસદમાં ‘લુંગી’ પહેરીને પહોંચ્યા સાંસદ! જાણો કયા નેતાની ટિપ્પણી પર મચી ભારે બબાલ?
સંસદ ભવનમાં સાંસદોના પોશાકને લઈને નવો વિવાદ ઉભો થયો છે. સીપીઆઈ(એમ)ના રાજ્યસભા સાંસદ જ્હોન બ્રિટાસ લુંગી પહેરીને સંસદમાં પહોંચતા ભાજપના સાંસદ સુષ્મિતા દેવ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી બાદ રાજકારણ ગરમાયું છે. આ મામલે આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સંજય સિંહે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે.
સંજય સિંહે ભાજપની ટીકા કરતા જણાવ્યું હતું કે, "ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે, જ્યાં અલગ-અલગ ધર્મ, સંસ્કૃતિ અને પરંપરાઓનું પાલન કરતા લોકો એકસાથે રહે છે. કોઈના પહેરવેશ કે પોશાક પર સવાલો ઉઠાવવા અને તેનું અપમાન કરવું એ ભાજપની માનસિકતા અને સંસ્કૃતિ બની ગઈ છે."
તેમણે વધુમાં ઉમેર્યું કે, "સંસદમાં લુંગી પહેરીને આવેલા જ્હોન બ્રિટાસનું ભાજપના સાંસદ સુષ્મિતા દેવ દ્વારા જે રીતે અપમાન કરવામાં આવ્યું તે અત્યંત અયોગ્ય છે." સંજય સિંહે સ્પષ્ટ કર્યું હતું કે આ સમગ્ર ઘટનાને લઈને રાજ્યસભાના સભાપતિ દ્વારા આ બાબતની ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે.
આ ઘટના બાદ સંસદ અને રાજકીય વર્તુળોમાં દેશના વિવિધ પ્રદેશોની સંસ્કૃતિ અને પરંપરાગત પોશાકના સન્માન અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે.

