મોદી સરકાર લાવી રહી છે સખત બીલ / 13 વર્ષથી નાની વયના બાળકો માટે સોશિયલ મીડિયા પર લાગશે બ્રેક? નિયમ તોડ્યો તો ₹10 કરોડનો દંડ!

બાળકોને ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના દુષ્પરિણામોથી બચાવવા તેમજ ડિજિટલ સ્પેસમાં તેમની સુરક્ષા મજબૂત કરવા માટે સંસદમાં એક પ્રાઇવેટ મેમ્બર બિલ રજૂ કરવાની તૈયારી કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ બૈજયંત 'જય' પાંડા દ્વારા 'સેફગાર્ડિંગ હેલ્ધી ઇન્ટરનેટ એન્વાયરન્મેન્ટ્સ ફોર લિટલ ડિજિટલ-નેટિવ્સ' (SHIELD) બિલ, 2025 તૈયાર કરવામાં આવ્યું છે. આ બિલમાં બાળકોના સોશિયલ મીડિયા અકાઉન્ટ, ડેટા પ્રાઇવસી, ઓનલાઇન ગેમિંગ અને પર્સનલાઇઝ્ડ જાહેરાતોને લઈને કડક નિયમો પ્રસ્તાવિત કરાયા છે. જોકે, શુક્રવારે સંસદમાં સતત હંગામા અને ગૃહ મુલતવી રહેવાને કારણે આ બિલ ઔપચારિક રીતે રજૂ થઈ શક્યું ન હતું.
13 વર્ષથી નાની વયના બાળકોના અકાઉન્ટ બનાવવા પર રોક
શીલ્ડ (SHIELD) બિલમાં 18 વર્ષથી ઓછી વયની દરેક વ્યક્તિને સગીર ગણવામાં આવી છે. આ બિલની મુખ્ય જોગવાઈ મુજબ, 13 વર્ષથી નાની વયના બાળકો પોતાના માતા-પિતા કે વાલીની મંજૂરી વગર સોશિયલ મીડિયા કે ઓનલાઇન ગેમિંગ પ્લેટફોર્મ પર નવું એકાઉન્ટ બનાવી શકશે નહીં.
આ ઉપરાંત, ટેક કંપનીઓ બાળકોની ઓનલાઇન પ્રવૃત્તિઓ પર નજર રાખી શકશે નહીં કે તેમની પ્રોફાઇલિંગ પણ કરી શકશે નહીં. બાળકોની માહિતી (ડેટા) માત્ર જરૂરી સેવાઓ પૂરી પાડવા પૂરતી જ મર્યાદિત રખાશે. જો એકાઉન્ટ 90 દિવસ સુધી નિષ્ક્રિય રહે અથવા વાલી વિનંતી કરે, તો તેનો ડેટા કાયમી ધોરણે ડિલીટ કરવો ફરજિયાત રહેશે.
'પેરન્ટલ ડેશબોર્ડ' અને એજ વેરિફિકેશન સિસ્ટમ
ઓનલાઇન પ્લેટફોર્મ્સને બાળકો માટે સુરક્ષિત બનાવવા માટે ટેક કંપનીઓ પર અનેક ટેકનિકલ જવાબદારીઓ સોંપવાની ભલામણ કરવામાં આવી છે. સગીરો માટે ઉપલબ્ધ પ્લેટફોર્મ્સે ઉંમરની સાચી ઓળખ કરતી મજબૂત સિસ્ટમ લાગુ કરવી પડશે. વાલીઓને એક ખાસ 'પેરન્ટલ ડેશબોર્ડ' અપાશે, જેનાથી તેઓ બાળકોની ઓનલાઇન પ્રવૃત્તિઓ પર નજર રાખી શકશે, પ્રાઇવસી સેટિંગ્સ સંભાળી શકશે અને સ્ક્રીન ટાઇમ મર્યાદિત કરી શકશે. પ્લેટફોર્મ્સે એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે બાળકો પોર્નોગ્રાફી, ઓનલાઇન સટ્ટાબાજી, હિંસક સામગ્રી અને ડ્રગ્સથી દૂર રહે.
ફરિયાદ નિવારણ અને ₹10 કરોડ સુધીનો દંડ
બાળકોની ડિજિટલ સુરક્ષામાં બેદરકારી દાખવનાર ટેક કંપનીઓ સામે કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે. આ માટે દરેક પ્લેટફોર્મ પર 'Report Child Harm' નામનું એક ખાસ બટન મૂકવું ફરજિયાત રહેશે. કોઈ પણ ફરિયાદ મળે ત્યારે કંપનીએ 24 કલાકમાં તેનો પ્રતિસાદ આપવો પડશે અને 48 કલાકની અંદર તે સમસ્યાનો ઉકેલ લાવવો પડશે.
આ ઉપરાંત, બાળકો માટે નુકસાનકારક સામાન્ય સામગ્રીને 36 કલાકમાં અને ચાઇલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ મટિરિયલ (CSAM)ને માત્ર 24 કલાકની અંદર પ્લેટફોર્મ પરથી હટાવવું પડશે. જો કોઈ કંપની આ નિયમોનું ઉલ્લંઘન કરે છે, તો તેના પર ₹10 કરોડ સુધીનો દંડ થઈ શકે છે. વારંવાર કે જાણીજોઈને નિયમો તોડવા બદલ IT ઍક્ટની કલમ 69A હેઠળ તે પ્લેટફોર્મને ભારતમાં અસ્થાયી રૂપે બ્લોક પણ કરી શકાશે.
AI ડીપફેક પર બીજું પ્રસ્તાવિત બિલ
સાંસદ બૈજયંત પાંડાનું બીજું બિલ 'પ્રોટેક્શન ઓફ પર્સનાલિટી લાઈકનેસ ફ્રોમ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ મિસયુઝ બિલ, 2026' છે. આ કાયદો પરવાનગી વગર કોઈ વ્યક્તિનો અવાજ, ચહેરો કે શારીરિક દેખાવ ઉપયોગ કરીને બનાવવામાં આવતા ફેક AI ડીપફેક પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ રજૂ કરે છે. આવી AI સામગ્રી નોટિસ મળ્યાના 24 કલાકમાં (અને અશ્લીલ સામગ્રીના કિસ્સામાં 12 કલાકમાં) હટાવવી પડશે. છેતરપિંડી, બ્લેકમેલિંગ કે અશ્લીલતા ફેલાવવા માટે ડીપફેક બનાવવા પર 3 વર્ષ સુધીની જેલ અને ₹10 લાખ સુધીના દંડની જોગવાઈ છે.

