VIDEO: નોકરિયાતો માટે મોદી કેબિનેટનો સૌથી મોટો નિર્ણય! 12 વર્ષ બાદ પીએફ નિયમ બદલાયો, 51 લાખ કર્મચારીઓની થઈ ચાંદી
બુધવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) હેઠળ ફરજિયાત કવરેજ માટેની માસિક વેતન મર્યાદા 15,000 થી વધારીને સીધી 25,000 રૂપિયા પ્રતિ માસ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. સરકારના આ પગલાને શ્રમિક સંગઠનોનું પણ વ્યાપક સમર્થન મળ્યું છે, કારણ કે છેલ્લા એક દાયકામાં વેતનમાં થયેલા વધારાને કારણે મોટાભાગના કર્મચારીઓની માસિક આવક રૂ.15,000 ને વટાવી ચૂકી હતી. આ નિર્ણયથી દેશના 51 લાખથી વધુ વધારાના કર્મચારીઓ કાનૂની સામાજિક સુરક્ષાના છત્ર હેઠળ આવશે.
આ વધારાથી કોને અને કેવી રીતે સીધો ફાયદો થશે?
હાલના નિયમ મુજબ, જો કોઈ નવો કર્મચારી રૂ.15,000 થી વધુ માસિક પગાર સાથે નોકરીમાં જોડાય, તો કંપની માટે તેને આપમેળે EPF હેઠળ લાવવો કાયદાકીય રીતે ફરજિયાત નહોતો. પરિણામે, આવા ઘણા કર્મચારીઓ પ્રોવિડન્ટ ફંડ, પેન્શન અને વીમાના કવચથી બહાર રહી જતા હતા. હવે વેતન મર્યાદા વધારીને રૂ.25,000 કરાતાં 15,000થી 25,000ની આવક ધરાવતા નોકરિયાતો હવે ફરજિયાતપણે કાનૂની સામાજિક સુરક્ષા નેટવર્ક હેઠળ આવી જશે.
EPF: કર્મચારી અને એમ્પ્લોયર બંને તરફથી દર મહિને પીએફ ખાતામાં યોગદાન જમા થશે, જેનાથી દીર્ઘકાલીન રિટાયરમેન્ટ ફંડ ઊભું થશે.
પેન્શન યોજના (EPS): એમ્પ્લોઇઝ પેન્શન સ્કીમ હેઠળ પેન્શનપાત્ર વેતનનો દાયરો વધતાં કર્મચારીઓને ભવિષ્યમાં વધુ સારી માસિક પેન્શન સુરક્ષા મળશે.
જીવન વીમો : એમ્પ્લોઇઝ ડિપોઝિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ સ્કીમ હેઠળ પીએફ સભ્યપદ સાથે આપમેળે લિંક થયેલું લાઇફ ઇન્સ્યોરન્સ કવચ કર્મચારીના પરિવારને આર્થિક રક્ષણ પૂરું પાડશે.
2014 પછી પ્રથમ વખત વેતન સીમામાં સુધારો
EPFOની વેતન મર્યાદા છેલ્લે સપ્ટેમ્બર 2014માં રૂ. 6,500 થી વધારીને રૂ.15,000 કરવામાં આવી હતી. છેલ્લા 12 વર્ષ દરમિયાન લોકોની સરેરાશ આવક, મોંઘવારી અને ઔપચારિક રોજગારમાં સતત વધારો થયો છે. ઘણા રાજ્યોમાં લઘુત્તમ વેતન પણ રૂ.15,000 ની નજીક પહોંચી જતાં આ સીમા વધારવી સમયની માંગ બની ચૂકી હતી.
નોકરીદાતાઓ અને વર્કફોર્સ પર શું અસર પડશે?
સંસ્થાઓમાં કર્મચારીઓનો નોકરી છોડી જવાનો દર ઘટશે અને વર્કફોર્સ રિટેન્શનમાં સુધારો થશે.
કામદારોને લાંબા ગાળાની સામાજિક સુરક્ષા મળવાથી કાર્યક્ષમતા અને મનોબળમાં વધારો થશે.
સરકાર પર વાર્ષિક ₹11,339 કરોડનો નાણાકીય બોજ
આ સુધારા માટે એક્સપેન્ડિચર ફાઇનાન્સ કમિટી દ્વારા 16 જૂન 2026ના રોજ ભલામણ કરવામાં આવી હતી. નવી વ્યવસ્થા હેઠળ સરકારની વાર્ષિક નાણાકીય પ્રતિબદ્ધતા વધશે.
હાલના વાર્ષિક બજેટ સપોર્ટ ₹10,250 કરોડની સામે હવે વાર્ષિક આશરે ₹11,339 કરોડનો ખર્ચ થશે.
આગામી 5 વર્ષ દરમિયાન સરકાર અંદાજે ₹56,696 કરોડ આ સિસ્ટમ પાછળ ખર્ચ કરશે.
આગળની પ્રક્રિયા શું રહેશે?
કેબિનેટ દ્વારા મંજૂરી મળવી એ પ્રથમ પગલું છે. હવે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય તથા EPFO દ્વારા જરૂરી નોટિફિકેશન અને વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવશે, જેના પછી નવી સીમાનો ઔપચારિક અમલ શરૂ થશે.

