મેવાડના શાહી પરિવારનો સંપત્તિ વિવાદ: ઉદેપુરના પેલેસ સહિતતની પ્રોપર્ટી અંગેનો કેસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો
રાજસ્થાનમાં મેવાડના શાહી પરિવારની અંદર સંપત્તિ

રાજસ્થાનમાં મેવાડના શાહી પરિવારની અંદર સંપત્તિની વહેચણીનો ડખો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. આ મામલો મહારાજા અરવિંદ સિંહ મેવાડના વસિયતનામાને પડકાર ફેંકે છે. સુપ્રીમ કોર્ટે તમામ કેસોને દિલ્હી હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવાનો આદેશ કર્યો છે. સાથે એ પણ કહ્યું છે કે બંને પક્ષો વચ્ચે અન્ય ઘણા કેસ હજુ ચાલી રહ્યા છે તો તે પણ દિલ્હી હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવા માટે અરજી થઈ શકે છે.
વધુ સુનાવણી જાન્યુઆરી 2026માં થશે
સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઇકોર્ટ અને રાજસ્થાન હાઇકોર્ટને નિર્દેશ આપ્યો છે કે તે તમામ સંબંધિત કેસ અને દસ્તાવેજ દિલ્હી હાઇકોર્ટને મોકલે, દિલ્હી હાઇકોર્ટમાં આ તમામ મામલાઓની સુનાવણી જાન્યુઆરી 2026માં થશે. વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કોર્ટના ધ્યાને એ પણ મૂક્યું હતું કે એક અરજી વહીવટદારની નિમણૂકને લઈને પણ છે. કેમ કે આ વિવાદમાં મોટી માત્રામાં ઘરેણાં અને અન્ય કિંમતી જંગમ સંપત્તિઓ પણ છે.
કોર્ટે વિવાદિત સંપત્તિને ચાર ભાગ વહેંચી હતી
અંદાજિત 37 વર્ષો સુધી કાયદાકીય યુદ્ધ ચાલ્યું જે બાદ 2020માં ઉદયપુર જિલ્લા કોર્ટએ ચુકાદો આપ્યો. કોર્ટે વિવાદિત સંપત્તિને ચાર ભાગમાં વહેચવાનો આદેશ કર્યો જેમાં એક હિસ્સો ભગવતસિંહ મેવાડના નામે તો બાકીના ત્રણ હિસ્સા ત્રણેય સંતાનો વચ્ચે વહેંચી દીધા. કોર્ટના આ નિર્ણયથી અરવિંદસિંહ મેવાડના કબજામાં વધારે સંપત્તિ આવી, જ્યારે મહેન્દ્રસિંહ અને તેમની બહેન યોગેશ્વરી કુમારીના ભાગે ઓછી મિલકત આવી. જિલ્લા કોર્ટે શંભુ નિવાસ પેલેસ, બડી પાલ અને ઘાસ ઘર જેવી મિલકત સાથે જોડાયેલી આર્થિક ગતિવિધિ પર તાત્કાલિક પ્રભાવથી પ્રતિબંધ મૂકી દીધો.
હાલ ભાઈ-બહેન વચ્ચે મિલકતને લઈ ડખો
આ વર્ષ જ 16 માર્ચ 2025ના રોજ અરવિંદસિંહ મેવાડનું નિધન થઈ ગયું. તેમના પણ ત્રણ સંતાન છે. એક પુત્ર લક્ષ્યરાજસિંહ મેવાડ અને બે દીકરીઓ ભાર્ગવી કુમારી મેવાડ અને પદ્મજા કુમારી મેવાડ, લક્ષ્યરાજસિંહ મેવાડ હાલ પરિવારના ઉત્તરાધિકારી છે અને HRH ગૃપ ઑફ હોટલ્સના માલિક પણ છે. બહેન પદ્મજા સાથે તેમનો સંપત્તિ વિવાદ કોર્ટમાં ચાલી રહ્યો છે.






