Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Mathura accident: Container overturns after passengers disembark

મથુરા એક્સિડન્ટ: લઘુશંકા માટે ઉતરેલા મુસાફરો પર કાળ બનીને ફરી વળ્યું કન્ટેનર

Timeછેલ્લું અપડેટ : 07 Feb 2026
લાઇવ ટીવીGoogle News
મથુરા એક્સિડન્ટ: લઘુશંકા માટે ઉતરેલા મુસાફરો પર કાળ બનીને ફરી વળ્યું કન્ટેનર
સોર્સ : gstv

મથુરા: ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં શનિવારે વહેલી સવારે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતની ઘટના બની છે. માંટ વિસ્તારમાં યમુના એક્સપ્રેસ-વે પર માઈલ સ્ટોન 88 પાસે એક બેફામ ઝડપે આવતા કન્ટેનરે બસમાંથી નીચે ઉતરેલા મુસાફરોને કચડી નાખ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે એક મુસાફર ગંભીર રીતે ઘાયલ છે.

App Store

કેવી રીતે સર્જાઈ દુર્ઘટના?

આ ભયાનક ઘટના શનિવારે વહેલી સવારે અંદાજે 2:45 વાગ્યે બની હતી. દિલ્હીથી કાનપુર જઈ રહેલી એક ખાનગી બસના મુસાફરો લઘુશંકા માટે નીચે ઉતર્યા હતા. બસ ચાલકે સુરક્ષિત 'ગ્રીન ઝોન'માં વાહન રોકવાને બદલે એક્સપ્રેસ-વેની મેઈન સડક પર જ બસ ઉભી રાખી દીધી હતી. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક અનિયંત્રિત કન્ટેનરે પહેલા બસને પાછળથી જોરદાર ટક્કર મારી અને ત્યારબાદ રસ્તા પર ઉભેલા મુસાફરો પર કાળ બનીને ફરી વળ્યું.

ઘટનાસ્થળનું દ્રશ્ય: રુવાડા ઉભા કરી દે તેવું

અકસ્માત એટલો જોરદાર હતો કે મુસાફરોને ભાગવાનો મોકો પણ મળ્યો નહીં. અંધારામાં કન્ટેનર મુસાફરોને કચડતું આગળ નીકળી ગયું. રસ્તા પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા અને મૃતદેહોના લોચા વિખરાયેલા પડ્યા હતા. જે લોકોએ આ દ્રશ્ય જોયું તેમની રુહ કાંપી ગઈ હતી.

મૃતકોની ઓળખ

દુર્ઘટનામાં જીવ ગુમાવનાર છ મુસાફરોની વિગતો નીચે મુજબ છે:

  1. સોનુ (32 વર્ષ): રહે. ઔરૈયા

  2. દેવેશ (32 વર્ષ): રહે. બસ્તી

  3. અસલમ (27 વર્ષ): રહે. કન્નૌજ

  4. સંતોષ (46 વર્ષ): રહે. દિલ્હી

  5. અનુરાગ (27 વર્ષ): રહે. ઔરૈયા

  6. પ્રમોદ (35 વર્ષ): રહે. ફિરોઝાબાદ

ડ્રાઈવરની બેદરકારી બની કાળ

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ અકસ્માત માટે બસ ચાલકની ગંભીર બેદરકારી જવાબદાર છે. એક્સપ્રેસ-વે પર નિયમ મુજબ માત્ર નિર્ધારિત 'ગ્રીન ઝોન' અથવા સેફ્ટી લેનમાં જ વાહન ઉભું રાખી શકાય છે. પરંતુ ડ્રાઈવરે વચ્ચે રસ્તે બસ ઉભી રાખીને મુસાફરોને જોખમમાં મૂક્યા હતા. કન્ટેનર ચાલકની પણ પૂરપાટ ઝડપ હોવાથી તે વાહન પર કાબુ મેળવી શક્યો નહોતો. અકસ્માત સર્જી કન્ટેનર ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો છે.

સીએમ યોગી આદિત્યનાથે વ્યક્ત કર્યું દુઃખ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાની તાત્કાલિક નોંધ લીધી છે. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને જિલ્લા પ્રશાસનને આદેશ આપ્યા છે કે ઘાયલ મુસાફરને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવે. ડીએમ અને એસએસપીએ પણ ઘટનાસ્થળની મુલાકાત લઈને તપાસના આદેશ આપ્યા છે.

ટ્રાફિક જામ

અકસ્માત બાદ એક્સપ્રેસ-વે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સુરીર પોલીસ સ્ટેશનની ટીમે તાત્કાલિક પહોંચીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા અને ક્રેઈનની મદદથી વાહનોને ખસેડી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. હાલમાં ફરાર કન્ટેનર ચાલકની શોધખોળ ચાલુ છે.