મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: જોશીમઠમાં આર્મી કેમ્પમાં લાગી ભીષણ આગ, સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ

ઉત્તરાખંડના જોશીમઠમાં ઔલી રોડ પર આવેલા આર્મી કેમ્પમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આગને પગલે સમગ્ર કેમ્પ અને આસ

VIDEO: જોશીમઠમાં આર્મી કેમ્પમાં લાગી ભીષણ આગ, સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ

ઉત્તરાખંડના જોશીમઠમાં ઔલી રોડ પર આવેલા આર્મી કેમ્પમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આગને પગલે સમગ્ર કેમ્પ અને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો. જોરદાર પવન ફૂંકાવાને કારણે આગ વધુ ખતરનાક બની રહી છે.

ઘટનાની માહિતી મળતાં જ આર્મીની ફાયર બ્રિગેડ ટીમ અને સૈનિકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઈ આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આર્મી કેમ્પના એક સ્ટોરમાં આગ લાગી હોવાનું જણાવાઈ રહ્યું છે. સૈનિકો હાલમાં સ્ટોરમાં સંગ્રહિત સામાનને બચાવવા અને વધતી જતી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.

મોટા પ્રમાણમાં નુકસાનની આશંકા

જોશીમઠના આર્મી કેમ્પમાં લાગેલી આગને ઓલવવા માટે ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટનાસ્થળે હાજર હોવાનું જાણવા મળ્યું છે. જોકે સેના કે વહીવટીતંત્રે હજુ સુધી નુકસાન અને આગના કારણ વિશે વધુ વિગતો જાહેર કરી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે નુકસાન નોંધપાત્ર હોઈ શકે છે.

પવનને લીધે પડી રહી છે મુશ્કેલીઓ

કેમ્પના સ્ટોરમાંથી નીકળતી આગની જ્વાળા એટલી ઊંચી અને તીવ્ર હતી કે દૂરદૂરથી જોઈ શકાય છે. આગને કાબુમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યા છે, પરંતુ પર્વતો પરથી આવતા ભારે પવન મુશ્કેલીઓ ઊભી કરી રહ્યા છે.

બપોરે 2 વાગ્યે આગ લાગી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેમ્પના સ્ટોરમાં બપોરે 2 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઈલેક્ટ્રિક સ્પાર્કિંગને કારણે આગ લાગી અને ભારે પવનને લીધે તે ઝડપથી ફેલાઈ છે. ઘટનાસ્થળે હાજર 100થી વધુ સૈનિકો આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

લાખોમાં નુકસાનનો અંદાજ

એક વરિષ્ઠ સૈન્ય અધિકારીના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ આગમાં લાખોની સંપત્તિનો નાશ થયો છે. જોકે, ચોક્કસ આંકડા હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી.

આ સમાચાર શેર કરો