મમતા બેનર્જી ભવાનીપુર બેઠક પરથી હાર્યા, શુભેન્દુ અધિકારીનો 15 હજારથી વધુ મતોથી વિજય

પશ્ચિમ બંગાળના રાજકારણમાં આજે એક નવો ઇતિહાસ રચાયો છે. બંગાળના 'વાઘણ' ગણાતા મમતા બેનર્જીને તેમના જ સૌથી મજબૂત ગઢ ભવાનીપુરમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપના દિગ્ગજ નેતા શુભેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને 15,113 મતોના જંગી અંતરથી પરાજય આપીને આખા દેશને ચોંકાવી દીધો છે. આ જીત માત્ર એક બેઠકની જીત નથી, પરંતુ બંગાળમાં છેલ્લા દોઢ દાયકાથી ચાલી રહેલા મમતા શાસનના અંતની સત્તાવાર જાહેરાત સમાન છે.
શુભેન્દુએ મમતાને 15,113 મતોથી હરાવ્યા
ગણતરીની શરૂઆતથી જ ભવાનીપુરમાં રસાકસી જોવા મળી રહી હતી. મમતા બેનર્જી અને શુભેન્દુ અધિકારી વચ્ચે પળેપળે સમીકરણો બદલાતા હતા. જોકે, છેલ્લા કેટલાક રાઉન્ડમાં શુભેન્દુ અધિકારીની સરસાઈ સતત વધતી ગઈ અને અંતે તેમણે 15,113 મતોની સરસાઈ મેળવીને મમતા બેનર્જીનો પરાજય નિશ્ચિત કર્યો હતો. જે બેઠક પરથી મમતા બેનર્જી અજેય ગણાતા હતા, ત્યાં જ ભાજપે ગાબડું પાડીને 'દીદી'ને સત્તાની બહારનો રસ્તો બતાવ્યો છે.
નંદીગ્રામ બેઠક પરથી પણ શુભેન્દુ અધિકારની જીત
ઉલ્લેખનીય છે કે, શુભેન્દુ અધિકારી બે બેઠકો પરથી ચૂંટણી લડ્યા છે. તેમણે નંદીગ્રામ બેઠક પર 10200 મતોથી ચૂંટણી જીતી લીધી છે. નંદીગ્રામના BJP ઉમેદવાર શુભેન્દુને 1,27,301 મતો, તો TMCના ઉમેદવાર પવિત્ર કરને 1,17,636 મતો મળ્યા છે, એટલે કે શુભેન્દુને આ બેઠક પર જોરદાર ટક્કરનો સામનો કરવો પડ્યો છે.
ભાજપનો ઐતિહાસિક વિજય અને ટીએમસીનો સફાયો
બંગાળ વિધાનસભાની 293 બેઠકોના પરિણામોએ સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે. ભાજપે સ્પષ્ટ બહુમતીના 147ના આંકડાને કુદાવીને 170થી વધુ બેઠકો પર વિજય મેળવવાની તૈયારી કરી લીધી છે. બીજી તરફ, 15 વર્ષથી રાજ્યમાં એકહથ્થુ શાસન ભોગવતી તૃણમૂલ કોંગ્રેસ (TMC) 100 બેઠકોની અંદર સમેટાઈ ગઈ છે. બંગાળના ખૂણેખૂણે અત્યારે ભાજપના કાર્યકરો વિજય ઉત્સવ મનાવી રહ્યા છે અને ભગવો લહેરાવી રહ્યા છે.
હાર બાદ મમતાના ગંભીર આક્ષેપો
પોતાના ગઢમાં હાર બાદ મમતા બેનર્જીએ રોષ વ્યક્ત કર્યો છે. તેમણે ભાજપ પર 100થી વધુ બેઠકો લૂંટવાનો અને ચૂંટણીમાં ગેરરીતિ આચરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, આ લોકશાહીની હાર છે અને ભાજપે સત્તાનો દુરુપયોગ કરીને આ વિજય મેળવ્યો છે. જોકે, ચૂંટણી પંચના આંકડા સ્પષ્ટપણે જનતાનો ઝુકાવ ભાજપ તરફ હોવાનું દર્શાવે છે.
બંગાળમાં ભાજપની સરકાર
બંગાળમાં આ વખતે થયેલા 90%થી વધુ મતદાનનું રહસ્ય હવે ખુલી ગયું છે. જનતાએ મૌન રહીને પરિવર્તન માટે વોટ આપ્યો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સિંગુરથી શરૂ થયેલી મમતાની રાજકીય સફર આજે ભવાનીપુરની હાર સાથે એક મોટા વળાંક પર આવીને ઉભી રહી છે. બંગાળમાં હવે ભાજપના નેતૃત્વમાં નવી સરકાર બનવા જઈ રહી છે, જે આ પૂર્વ ભારતના રાજ્ય માટે એક નવા યુગની શરૂઆત માનવામાં આવે છે.

