NEET UG 2026 પેપર લીક કૌભાંડમાં મોટી કાર્યવાહી, CBIએ કરી RCC ક્લાસીસના સ્થાપકની ધરપકડ

દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા NEET UG 2026 પેપર લીક કૌભાંડમાં સીબીઆઇએ મોટી કાર્યવાહી કરી છે. મહારાષ્ટ્રના લાતુર સ્થિત જાણીતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ 'RCC ક્લાસીસ' (રેણુકાઈ કરિયર સેન્ટર)ના સ્થાપક શિવરાજ મોટેગાંવકરની CBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે. નીટ પેપર લિક કેસમાં સીબીઆઇ દ્વારા આ 10મી ધરપકડ છે. મોટેગાંવકર મહારાષ્ટ્રના કોચિંગ જગતમાં ‘M Sir’ (એમ સર) તરીકે પણ ખૂબ જાણીતા છે.
પેપર લીક નેટવર્કના 'સક્રિય સભ્ય' હોવાનો આક્ષેપ
સીબીઆઇના જણાવ્યાનુસાર, એક અઠવાડિયામાં બીજી વખત પૂછપરછ કર્યા બાદ રવિવારે મોટેગાંવકરની ધરપકડ કરાઈ હતી. તપાસ એજન્સીનો આરોપ છે કે 3 મેના રોજ લેવાયેલી NEET UG પરીક્ષા યોજાય તે પહેલા જ પ્રશ્નપત્રો લીક કરવા અને તેને ફેલાવવાના નેટવર્કમાં મોટેગાંવકર ‘સક્રિય સભ્ય’ તરીકે સામેલ હતા.
રેણુકા ક્લાસીસની મોક ટેસ્ટના વીડિયોનો પુરાવો
સીબીઆઇએ એ કોચિંગ ક્લાસ દ્વારા પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓમાં "ગેસ ક્વેશ્ચન્સ" (અંદાજિત પ્રશ્નો) તરીકે વહેંચવામાં આવેલા કેમિસ્ટ્રીના 42 પ્રશ્નોની તપાસ હાથ ધરી છે, જે લીક થયેલા પેપરના ભાગો સાથે આબેહૂબ મળતા આવે છે. આ સિવાય, તાજેતરમાં એક વીડિયો પણ વાઇરલ થયો હતો, જેમાં મોટેગાંવકર વિદ્યાર્થીઓને પૂછી રહ્યા હતા કે રેણુકાઈ કરિયર સેન્ટરની મોક ટેસ્ટમાંથી કેટલા પ્રશ્નો અસલી NEET પેપરમાં આવ્યા હતા, જેના જવાબમાં વિદ્યાર્થીઓએ મોટા ભાગના પ્રશ્નો આવ્યા હોવાનું જણાવ્યું હતું. મોટેગાંવકર સામેની કાર્યવાહીમાં આ વીડિયો મહત્ત્વનો પુરાવો સાબિત થયો હોવાનું કહેવાય છે.
પરીક્ષા બાદ પુરાવા નાશ કરવા પ્રશ્નપત્રો સળગાવી દીધા?
આ તપાસ દરમિયાન 14 મેના રોજ મોટેગાંવકરના લાતુર સ્થિત નિવાસસ્થાનેથી તેમનો મોબાઇલ ફોન જપ્ત કરાયો હતો, જેમાં લીક થયેલા પ્રશ્નો મળી આવ્યા હતા. આરોપ છે કે તેમણે અન્ય આરોપીઓ સાથે મળીને પરીક્ષા પહેલા જ પ્રશ્નો અને જવાબો મેળવી લીધા હતા અને પરીક્ષા બાદ પુરાવા નાશ કરવા માટે પ્રશ્નપત્રો સળગાવી કે ફાડી નાખ્યા હતા. તેમની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS), ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને જાહેર પરીક્ષા (ગેરરીતિ નિવારણ) અધિનિયમ, 2024 હેઠળ ગુનો નોંધાયો છે. આ ઉપરાંત અગાઉ ધરપકડ કરાયેલા નિવૃત્ત કેમિસ્ટ્રી પ્રોફેસર પી. વી. કુલકર્ણી સાથેના તેમના સંબંધોની પણ તપાસ ચાલી રહી છે.
સાયકલ પર ટ્યુશનથી લઈને 40,000 વિદ્યાર્થીના સામ્રાજ્ય સુધી...
શિવરાજ મોટેગાંવકરની આ ધરપકડથી મહારાષ્ટ્રના શૈક્ષણિક જગતમાં મોટો ફાટો પડ્યો છે, કારણ કે તેઓ લાતુર અને સમગ્ર રાજ્યમાં એક પ્રતિષ્ઠિત શિક્ષક તરીકે ઓળખાય છે. કેમિસ્ટ્રીમાં એમ.એસસી. ગોલ્ડ મેડલિસ્ટ એવા મોટેગાંવકર લાતુરના એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે.
તેમણે કારકિર્દીની શરૂઆત ખૂબ જ સંઘર્ષ સાથે કરી હતી. શરૂઆતના દિવસોમાં તેઓ સાયકલ પર આખા શહેરમાં ફરીને વિદ્યાર્થીઓને ઘરે-ઘરે પ્રાયવેટ ટ્યુશન આપતા હતા. વર્ષ 1999ની આસપાસ તેમણે લાતુરમાં એક ભાડાના રૂમમાં માત્ર 10 વિદ્યાર્થી સાથે પોતાના કોચિંગ ક્લાસની શરૂઆત કરી હતી. તેઓ પોતે હાથે લખેલી નોટ્સ બનાવતા અને કેમિસ્ટ્રી ભણાવતા.
શાંતિથી ભણાવવાની તેમની શૈલીથી લોકપ્રિયતા હાંસલ
મોટેગાંવકર ખૂબ જ શાંતિ અને ધીરજથી ભણાવવા માટે જાણીતા હતા, જે ‘લાતુર પેટર્ન’ તરીકે જાણીતી થઈ અને તેમની લોકપ્રિયતા પણ વધી. આજે બે દાયકા બાદ, તેમનું રેણુકાઈ કરિયર સેન્ટર (RCC) મહારાષ્ટ્રના સૌથી મોટા કોચિંગ નેટવર્કમાંનું એક બની ગયું છે. હાલમાં લાતુર ઉપરાંત પૂણે, નાસિક, છત્રપતિ સંભાજીનગર, નાંદેડ, સોલાપુર, અકોલા અને કોલ્હાપુર જેવા શહેરોમાં RCCના સેન્ટરો કાર્યરત છે, જ્યાં દર વર્ષે અંદાજે 40,000 જેટલા વિદ્યાર્થીઓ NEET, JEE અને CETની તૈયારી માટે એડમિશન લે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર પણ તેમના 66,000થી વધુ ફોલોઅર્સ છે, પરંતુ હવે દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષાના પેપર લીક કૌભાંડમાં નામ આવતા તેમનું શૈક્ષણિક સામ્રાજ્ય કાયદાના સકંજામાં સપડાયું છે.
M સર પર શું છે આરોપ?
શિવરાજ મોટેગાંવકર પર આક્ષેપ છે કે તેઓ NEET પેપર લીક કાંડના મુખ્ય આરોપી અને રિટાયર્ડ કેમિસ્ટ્રી પ્રોફેસર પી. વી. કુલકર્ણીના સીધા સંપર્કમાં હતા. કુલકર્ણીની તાજેતરમાં જ સીબીઆઇ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે પ્રોફેસર કુલકર્ણી ભૂતકાળમાં મોટેગાંવકરની સંસ્થા RCCમાં જ કેમિસ્ટ્રી ભણાવતા હતા. આમ આ કેસની તપાસ કરી રહેલી સીબીઆઇએ અત્યાર સુધીમાં કુલ 10 લોકોની ધરપકડ કરી છે.

