ભારતમાં બુલેટ ટ્રેનનું સપનું થશે સાકાર: રેલવે મંત્રાલયે જાહેર કરી પહેલી સત્તાવાર ઝલક, જાણો સ્પીડ અને રૂટની વિગતો

ભારતમાં બુલેટ ટ્રેન દોડાવવાનું સપનું હવે ધીમે-ધીમે હકીકત બનવા તરફ જઈ રહ્યું છે. ભારતીય રેલવેએ દેશની પ્રથમ બુલેટ ટ્રેનની ડિઝાઈન સત્તાવાર રીતે જાહેર કરી દીધી છે. નવી દિલ્હી સ્થિત રેલવે મંત્રાલયના ગેટ નંબર-4 પર આ ટ્રેનની ભવ્ય તસવીર લગાવવામાં આવી છે, જેને જોઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ તસવીરને ભારતની ભવિષ્યની સૌથી ઝડપી ટ્રેનની પહેલી સત્તાવાર ઝલક માનવામાં આવી રહી છે. આ બુલેટ ટ્રેન મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર પર દોડશે અને દેશમાં પરિવહન ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ કરશે. આધુનિક ડિઝાઈન, તેજ રફતાર અને અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ આ ટ્રેન માત્ર મુસાફરીને જ સરળ નહીં બનાવે, પરંતુ ભારતને દુનિયાના એવા દેશોની હરોળમાં લાવીને ઊભું રાખશે જ્યાં બુલેટ ટ્રેન જેવી એડવાન્સ રેલ સેવાઓ ઉપલબ્ધ છે.
મુંબઈથી અમદાવાદ સુધીનો રૂટ અને સ્ટેશનો
508 કિમી. લંબાઈનો આ 'મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ' ભારતનો પહેલો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે. આ ટ્રેન મહારાષ્ટ્ર, ગુજરાત અને દાદરા તથા નગર હવેલીથી પસાર થશે. આ સમગ્ર રૂટ પર કુલ 12 સ્ટેશનો બનાવવામાં આવશે. જેમાં મહારાષ્ટ્રમાં મુંબઈ, ઠાણે, વિરાર, બોઈસર જ્યારે ગુજરાતમાં વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી.
યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે નિર્માણ કાર્ય
રેલવેના જણાવ્યા અનુસાર, ગુજરાતના તમામ 8 સ્ટેશનો પર ફાઉન્ડેશન (પાયા)નું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. બીજી તરફ મહારાષ્ટ્રના ઠાણે, વિરાર અને બોઈસરમાં પણ બાંધકામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) સ્ટેશન પર ખોદકામનું કામ લગભગ પૂરું થઈ ગયું છે. આ ઉપરાંત દરિયાની નીચે બનનારી દેશની પ્રથમ રેલવે ટનલ (સુરૂંગ)નું કામ પણ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે.
280 કિમીની ઝડપ અને 'મેક ઇન ઇન્ડિયા'નો સમન્વય
આ હાઈ-સ્પીડ ટ્રેનને 'મેક ઇન ઇન્ડિયા' અભિયાન હેઠળ જ તૈયાર કરવામાં આવી રહી છે. ચેન્નાઈની ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) અને બેંગલુરુની BEML લિમિટેડ સાથે મળીને આ ટ્રેન સેટ વિકસાવી રહ્યા છે. રેલવેના જણાવ્યા મુજબ આ ટ્રેનની ડિઝાઈન સ્પીડ આશરે 280 કિલોમીટર પ્રતિ કલાકની હશે, જેના કારણે મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું અંતર માત્ર ગણતરીના કલાકોમાં કપાઈ જશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જાપાનની પ્રખ્યાત હાઈ-સ્પીડ રેલ ટેક્નોલોજીની મદદથી વિકસાવવામાં આવી રહ્યો છે. જોકે, તેને ભારતની આબોહવા, હવામાન અને સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ખાસ રીતે ડિઝાઈન કરવામાં આવી છે. રેલવેનું કહેવું છે કે સુરક્ષા અને આરામની બાબતમાં આ ટ્રેન વિશ્વસ્તરીય સુવિધાઓથી સજ્જ હશે.
નિષ્ણાતોના મતે, આ પ્રોજેક્ટ માત્ર એક ટ્રેન નથી, પરંતુ ભારતના ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં મોટો ક્રાંતિકારી બદલાવ સાબિત થશે. તેનાથી પ્રવાસ ઝડપી બનશે, વેપાર-રોજગારને વેગ મળશે અને વૈશ્વિક સ્તરે હાઈ-સ્પીડ રેલ ટેક્નોલોજીમાં ભારતની એક નવી ઓળખ ઊભી થશે.

