મોડી રાત્રે બિહારમાં મોટી દુર્ઘટના: પુલ તોડીને નદીમાં ખાબક્યા માલગાડીના ડબ્બા, રેલવે વ્યવહાર ખોરવાયો
બિહારના જમુઈ જિલ્લામાં શનિવારે મોડી રાત્રે એક ભયાનક ટ્રેન અકસ્મા

બિહારના જમુઈ જિલ્લામાં શનિવારે મોડી રાત્રે એક ભયાનક ટ્રેન અકસ્માત સર્જાયો હતો, જેમાં સિમેન્ટથી ભરેલી માલગાડીના અનેક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રેનના ત્રણ ડબ્બા પુલ પરથી નીચે નદીમાં ખાબક્યા હતા.
અકસ્માતની વિગતો:
પૂર્વ રેલવેના આસનસોલ રેલવે ડિવિઝન હેઠળના જસીડીહ-ઝાઝા મુખ્ય રેલવે સેક્શન પર શનિવારે રાત્રે આશરે 12 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, સિમેન્ટ ભરેલી એક માલગાડી જસીડીહથી ઝાઝા તરફ જઈ રહી હતી. ત્યારે ટ્રેન તેલવા બજાર હોલ્ટ પાસે બધૂઆ નદી પર આવેલા પુલ નંબર 676 પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક તે પાટા પરથી ઉતરી ગઈ હતી.
ભયાનક દ્રશ્યો:
અકસ્માત બાદ માલગાડીની કુલ 17 બોગીઓ (ડબ્બા) પાટા પરથી ઉતરી ગઈ હતી. તેમાંથી ત્રણ ડબ્બા પુલ તોડીને સીધા નીચે નદીમાં પડ્યા હતા, જ્યારે બે ડબ્બા પુલ પર જ અટકી ગયા હતા. બાકીના ડઝન જેટલા ડબ્બા એકબીજા પર ચઢી ગયા હતા અને બાજુના ડાઉન ટ્રેક પર પણ ફેલાઈ ગયા હતા. રાતનો સમય હોવાથી રાહત કામગીરીમાં મુશ્કેલી પડી હતી, પરંતુ સવાર થતા જ નદીમાં પડેલા ડબ્બા અને ચારેતરફ વેરાયેલી સિમેન્ટની ગુણીઓના દ્રશ્યો સામે આવ્યા હતા.
રેલવે વ્યવહાર પર અસર:
આ અકસ્માતને કારણે આ રુટ પર રેલવે વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. માલગાડીના ડબ્બા અપ અને ડાઉન બંને ટ્રેક પર હોવાથી લાંબા અંતરની અનેક ટ્રેનોને વિવિધ સ્ટેશનો પર રોકી દેવામાં આવી છે. જસીડીહ અને ઝાઝા સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. રેલવે દ્વારા ઘણી ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે તો કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે.
તંત્ર દ્વારા કામગીરી:
અકસ્માતની જાણ થતા જ આસનસોલ ડિવિઝનના ઉચ્ચ અધિકારીઓ, RPFની ટીમ અને એન્જિનિયરોની ટુકડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રેલવેના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું કે, અત્યારે પ્રથમ પ્રાથમિકતા રેલવે ટ્રેકને સાફ કરવાની અને વ્યવહારને ફરી શરૂ કરવાની છે. ક્રેન્સની મદદથી પાટા પરથી ખસી ગયેલા ડબ્બાઓને હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
તપાસના આદેશ:
માલગાડી પાટા પરથી કેવી રીતે ઉતરી તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. રેલવે વિભાગે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. સદનસીબે આ માલગાડી હોવાથી કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ રેલવે મિલકતને મોટું નુકસાન થયું છે.







