ખેડૂતોને મહારાષ્ટ્ર સરકારની મોટી ભેટ, 48 હજાર કરોડના વીજ બિલ માફ કરવાની જાહેરાત

મહારાષ્ટ્ર સરકારે એક મોટા નિર્ણયમાં રાજ્યના ખેડૂતોને મોટી ભેટ આપી છે. બુધવારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યના ખેડૂતોના બાકી વીજ બિલ માફ કરવાની જાહેરાત કરી હતી. મહાયુતિ સરકારના આ નિર્ણયથી ડિફોલ્ટર થવાને કારણે અટકેલા ખેડૂતોના નવા વીજ જોડાણો (કનેક્શન) ફરી શરૂ થઈ શકશે.
જૂની બાકી રકમ સંપૂર્ણપણે નાબૂદ થશે
મુંબઈના યશવંતરાવ ચવ્હાણ પ્રતિષ્ઠાન ઓડિટોરિયમમાં ભાજપ કિસાન મોરચા દ્વારા આયોજિત કિસાન સન્માન સમારોહમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, રાજ્યમાં 7.5 હોર્સપાવર સુધીના કૃષિ પંપો પર પહેલાથી જ વીજ બિલ લેવામાં આવતું નથી અને હવે ખેડૂતોની જૂની બાકી રકમ પણ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે. સીએમ ફડણવીસે કહ્યું કે, વારંવાર દેવા માફી એ કોઈ કાયમી ઉકેલ નથી. સરકારનો ઉદ્દેશ્ય ખેતીને નફાકારક અને ટકાઉ બનાવવાનો છે. તેમણે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, કેટલાક લોકો ખેડૂતોના નામે માત્ર આંદોલન અને રાજકારણ કરે છે, જ્યારે સરકાર ખેડૂતોના વાસ્તવિક હિતમાં નિર્ણયો લઈ રહી છે.
ખેડૂતોને આપેલો વાયદો પૂરો કર્યો
ફડણવીસે જણાવ્યું કે, 'ખેડૂતોનો ખેતી ખર્ચ ઘટાડવા માટે રાજ્ય સરકાર દર વર્ષે 25 હજાર કરોડ રૂપિયાની વીજ બિલ સબસિડી આપી રહી છે. સોલાર પંપ અને સોલાર કૃષિ વાહિની યોજનાના કારણે રાજ્યના 76 ટકા ખેડૂતોને દિવસે વીજળી મળી રહી છે, અને વર્ષના અંત સુધીમાં તમામ ખેડૂતોને દિવસના સમયે વીજળી ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય છે.' મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, 'સરકારે ખેડૂતોને આપેલો દેવા માફીનો વાયદો પૂરો કર્યો છે, અને આ નિર્ણય કોઈ ચૂંટણીને ધ્યાનમાં રાખીને નહીં, પરંતુ ખેડૂતોના હિતમાં લેવાયો છે. સરકાર કુદરતી ખેતી, દેશી ગાયોના સંરક્ષણ, કૃષિ ઉત્પાદકતા વધારવા અને ખેતીને ઉદ્યોગ સાથે જોડવાની દિશામાં કામ કરી રહી છે.'
હવે દુષ્કાળનો સામનો નહીં કરવો પડે
સિંચાઈ ક્ષમતા વધારવા માટે રાજ્યમાં નવી જળ પરિયોજનાઓ શરૂ કરવામાં આવી છે. ગોદાવરી અને તાપી બેસિન સુધી પાણી પહોંચાડવા, નવી નદીઓ વિકસાવવા, 24 નવા ડેમ બનાવવા અને 16 જૂના ડેમની ઊંચાઈ વધારવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આગામી વર્ષોમાં આ પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા બાદ મહારાષ્ટ્રની આગામી પેઢીને દુષ્કાળનો સામનો કરવો પડશે નહીં.

