VIDEO:લખનૌ અગ્નિકાંડ: વિદ્યાર્થીઓના મોતથી હાહાકાર, CM યોગી ઘટનાસ્થળે પહોંચ્યા
લખનૌના અલીગંજ વિસ્તારમાં પુરનિયા પાસે આવેલી એક ત્રણ માળની કોમર્શિયલ ઈમારતમાં આજે સોમવારે બપોરે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઈમારતમાં એક કોચિંગ સેન્ટર, લાયબ્રેરી અને અન્ય સંસ્થાઓ કાર્યરત હતી. આ કરુણ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૧૫ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ છે. અનેક લોકો ઘાયલ થયા છે, જેમને કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીના ટ્રોમા સેન્ટરમાં ખસેડાયા છે. ઘટનાની જાણ થતા જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનો અલીગઢનો પ્રવાસ અધવચ્ચેથી રદ કરીને તરત જ લખનૌ પરત ફરીને સ્થિતિની સમીક્ષા કરી હતી. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડ, પોલીસ અને એનડીઆરએફની ટીમોએ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર શોક વ્યક્ત કરી મૃતકોના પરિવારજનોને રૂ. ૨ લાખ અને ઘાયલોને રૂ. ૫૦,૦૦૦ની સહાયની જાહેરાત કરી છે.

