કેરળના વાયનાડમાં ભૂસ્ખલન અને રાજસ્થાનમાં વીજળી પડતાં ૮ લોકોના મોત, દિલ્હીમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

જયપુર : કેરળના વાયનાડમાં ભુસ્ખલનને કારણે પાંચ લોકોના મોત નિપજ્યા હતા જ્યારે ૧૦થી વધુ લોકો ઘાયલ થયા છે. ટનલ પ્રોજેક્ટ સ્થળે જ આ ઘટના બની હતી જેને કારણે કેટલાક લોકો ગૂમ છે જેમને રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યા છે. જ્યારે રાજસ્થાનમાં પણ ભારે વરસાદ વચ્ચે વીજળી પડવાથી ત્રણ લોકો માર્યા ગયા હતા. ઝૂપડા પર વીજળી પડવાથી એક જ પરિવારના લોકો માર્યા ગયા હતા જેમાં બાળકનો પણ સમાવેશ થાય છે.
કેરળના વાયનાડથી કોઝિકોડેને જોડનારી ટનલના પ્રોજેક્ટ સ્થળ પાસે ભુસ્ખલન થયું હતું. જેમાં પાંચ લોકો માર્યા ગયા છે. અનેક લોકો કાટમાળમાં દટાયા છે જેમને બચાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું. સ્થાનિક સાંસદ પ્રિયંકા ગાંધીએ પ્રશાસનને તમામ અસરગ્રસ્તોને મદદ કરવા માટે કહ્યું હતું સાથે જ દાવો કર્યો હતો કે તેમણે કેરળના મુખ્યમંત્રી વીડી સતીશન સાથે પણ વાતચીત કરી હતી. અગાઉ પણ આ વિસ્તારમાં ભુસ્ખલનની ઘટનાઓ સામે આવી ચુકી છે.
દરમિયાન રાજસ્થાનના ચિત્તોડગઢમાં એક ઝૂપડા પર વીજળી પડી હતી જેને કારણે અંદર રહેતા એક જ પરિવારના ત્રણ લોકો માર્યા ગયા હતા. માર્યા ગયેલા ત્રણ લોકોમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. તમામ લોકો ઉંઘી રહ્યા હતા ત્યારે જ વીજળી પડી હતી. મંગળવારે રાજધાની દિલ્હીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ પહેલા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હતું અને વરસાદની આગાહી કરાઇ હતી જેમાં સુધારો કરીને હવે ભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરાયું છે.
જોકે વરસાદને પગલે રાજધાનીના લોકોને ગરમીથી મોટી રાહત મળી હતી. બીજી તરફ અરુણાચલમાં કેટલાક જિલ્લાઓમાં ફ્લેશ ફ્લડને કારણે જનજીવન પર માઠી અસર પહોંચી હતી. છેલ્લા ૨૪ કલાકમાં ઉપ્પર સિઆંગ જિલ્લામાં ભુસ્ખલનની ૧૬ ઘટનાઓ સામે આવી હતી જ્યારે ૨૬ જિલ્લામાં ૯૪,૦૦૦ લોકોને વરસાદી ઘટનાઓની અસર થઇ હતી. દરમિયાન આંધ્ર પ્રદેશના ૨૦ માછીમારો સમુદ્રમાં ફસાયા હતા જેમને રેસ્ક્યૂ કરાયા હતા. માછીમારોની બોટના એન્જિનમાં ખરાબીને કારણે બંધ પડી ગઇ હતી અને બાદમાં ખરાબ હવામાનમાં પલટી ગઇ હતી.

