VIDEO : LoC પર લેન્ડમાઇન બ્લાસ્ટ! 3 જવાન ગંભીર રીતે ઘાયલ
જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં લાઇન ઓફ કંટ્રોલ નજીક સુરક્ષા વ્યવસ્થા દરમિયાન એક મોટી દુર્ઘટના સામે આવી છે. નૌશેરા સેક્ટરના અગ્રિમ કલાલ વિસ્તારમાં સેનાના જવાનો જ્યારે નિયમિત એરિયા ડોમિનેશન પેટ્રોલિંગ પર હતા, ત્યારે આકસ્મિક રીતે એક લેન્ડમાઇન સક્રિય થતાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. વિવિધ અહેવાલો અને સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ આકસ્મિક વિસ્ફોટની ઝેડમાં આવવાથી ભારતીય સેનાના એક જુનિયર કમિશન્ડ ઓફિસર સહિત કુલ ત્રણ જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. સરહદ પર તેનાત સાથી સૈનિકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરીને ત્રણેય ઇજાગ્રસ્ત બહાદુર જવાનોને ઘટનાસ્થળેથી બહાર કાઢ્યા હતા. ત્યાંથી તેઓને અદ્યતન અને વિશેષ સારવાર આપવા માટે તુરંત જ હેલિકોપ્ટર મારફતે ઉધમપુર સ્થિત આર્મીની કમાન્ડ હોસ્પિટલમાં એરલિફ્ટ કરવામાં આવ્યા છે. હાલ હોસ્પિટલમાં તબીબોની દેખરેખ હેઠળ જવાનોની સારવાર ચાલી રહી છે. ઘૂસણખોરી રોકવા માટે આ સરહદી વિસ્તારોમાં લેન્ડમાઇન્સ બિછાવેલી હોય છે, જે ઘણીવાર વરસાદ અથવા અન્ય ભૌગોલિક કારણોસર સરકી જતાં આવી આકસ્મિક દુર્ઘટનાઓ સર્જાય છે. સેના દ્વારા સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે.

