VIDEO : કર્ણાટકના CM સિદ્ધારમૈયાએ ડીકે શિવકુમારને ગળે લગાવી રાજીનામાની કરી જાહેરાત
કર્ણાટકના વર્તમાન મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે. બેંગલુરુમાં સીએમ આવાસ પર આયોજિત બ્રેકફાસ્ટ મીટિંગમાં કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા અને ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે એકબીજાને ગળે લગાવ્યા હતા. આ સાથે જ ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે સીએમ સિદ્ધારમૈયાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ પણ લીધા હતા. બ્રેકફાસ્ટ દરમિયાન કાર્યકરોને સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે, પાર્ટી હાઈકમાન્ડે તેમને રાષ્ટ્રીય રાજનીતિમાં આવવા માટે કહ્યું છે.
આ જાહેરાત બાદ ડીકે શિવકુમારના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાલમાં બેઠક પૂરી થયા બાદ સિદ્ધારમૈયા સીધા રાજભવન જઈને રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપવાના હતા. પરંતુ હવે આ મામલામાં એક નવો વળાંક આવ્યો છે કે, કર્ણાટકના રાજ્યપાલ અંગત કારણોસર બેંગલુરુની બહાર ગયા છે. આવી સ્થિતિમાં સિદ્ધારમૈયા રાજીનામું આપવા રાજભવન જશે કે પછી તેમને ફેક્સ દ્વારા મોકલવામાં આવશે, તેના પર સસ્પેન્સ સર્જાયું છે.
રાહુલ ગાંધીને મળી શકે છે સિદ્ધારમૈયા
આ દરમિયાન અન્ય એક મોટા સમાચાર એ પણ છે કે, સિદ્ધારમૈયા આજે દિલ્હી પણ જવાના છે, જ્યાં તેઓ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી શકે છે. સિદ્ધારમૈયા પોતે રાહુલ ગાંધીને મળીને રાજ્યસભાની ઓફર માટે નકાર ભણી શકે છે. અત્યાર સુધી તેમણે કેસી વેણુગોપાલના માધ્યમથી હાઈકમાન્ડ સુધી પોતાનો સંદેશો પહોંચાડ્યો હતો. પરંતુ હવે તેઓ વ્યક્તિગત રીતે રાહુલ ગાંધીને મળીને જણાવશે કે, તેઓ રાજ્યસભામાં જવા માંગતા નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, જો સિદ્ધારમૈયાના રાજીનામાની પ્રક્રિયા આજે પૂર્ણ થઈ જશે, તો 30 મેના રોજ ડીકે શિવકુમાર કર્ણાટકના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ડીકે શિવકુમાર વર્ષ 2025થી જ સીએમની ખુરશી પર નજર ટકાવીને બેઠા હતા. તે સમયે અઢી-અઢી વર્ષની ફોર્મ્યુલાની ગૂંચવણને કારણે તેઓ મુખ્યમંત્રી બની શક્યા નહોતા, પરંતુ 3 વર્ષની લાંબી રાહ જોયા બાદ હવે એ દિવસ આવી ગયો છે જ્યારે તેઓ કર્ણાટકના મુખ્યમંત્રીની ખુરશી પર બિરાજમાન થશે.

