33 વર્ષ બાદ મળ્યો ન્યાય: સુપ્રીમ કોર્ટે વાયુસેનાના પૂર્વ અધિકારીને સન્માન સાથે વિદાય આપવાનો આપ્યો ઐતિહાસિક આદેશ

નવી દિલ્હી: ભારતીય વાયુસેના (IAF) માંથી ત્રણ દાયકા પહેલા અન્યાયી રીતે બરતરફ કરવામાં આવેલા પૂર્વ સ્ક્વોડ્રન લીડર આર. સૂદને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. કોર્ટે 1993ના બરતરફીના આદેશને રદ કરતા વાયુસેનાને નિર્દેશ આપ્યો છે કે 70 વર્ષીય આ પૂર્વ અધિકારીને સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે વિદાય આપવામાં આવે.
કોર્ટનો ઐતિહાસિક નિર્ણય: શું આદેશ આપ્યો?
જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે આ મામલે વાયુસેનાની કાર્યવાહીને 'કાયદેસર રીતે અયોગ્ય' ગણાવી હતી. કોર્ટે નીચે મુજબના મુખ્ય આદેશો આપ્યા છે:
-
સન્માનજનક વિદાય: વાયુસેના પ્રમુખ દ્વારા નક્કી કરાયેલી તારીખે આર. સૂદને એ જ રીતે વિદાય આપવામાં આવશે જેવી રીતે એક નિવૃત્ત થતા અધિકારીને મળે છે.
-
આર્થિક વળતર: તેમને 50% પાછલો પગાર (Back wages) અને નિવૃત્તિ સુધીના તમામ પ્રમોશનલ લાભો આપવામાં આવશે.
-
વ્યાજ સાથે પેન્શન: તમામ બાકી રકમ પર 9% વ્યાજ ચૂકવવાનો આદેશ કરાયો છે અને તેમને પેન્શનનો હકદાર માનવામાં આવ્યા છે.
શું હતો આખો વિવાદ?
આર. સૂદને 22 સપ્ટેમ્બર, 1993 ના રોજ વાયુસેના અધિનિયમની કલમ 19 હેઠળ સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી 1987 માં બનેલી એક ઘટનાથી શરૂ થઈ હતી, જેમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે એક નાગરિક ડ્રાઇવરને રણના એક ઉજ્જડ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો, જ્યાં તેના અવશેષો પાછળથી મળી આવ્યા હતા. આ કેસના સંદર્ભમાં ગેરવર્તણૂક માટે દોષિત ઠેરવતા, વાયુસેનાએ તેમની નોકરી રદ કરી દીધી હતી.
સુપ્રીમ કોર્ટે કેમ ફટકારી ફિટકાર?
સુપ્રીમ કોર્ટે વાયુસેનાની તપાસ અને સજાની પ્રક્રિયામાં ત્રણ મોટી ખામીઓ નોંધી:
-
ક્રિમિનલ કોર્ટે આપી હતી ક્લીન ચીટ: ફોજદારી અદાલતે પુરાવાઓના અભાવે આર. સૂદને પહેલા જ છોડી દીધા હતા. જ્યારે અદાલતે તેમને નિર્દોષ જાહેર કર્યા હોય, ત્યારે તે જ તથ્યો પર ખાતાકીય સજા કરવી અયોગ્ય છે.
-
સજામાં ભેદભાવ: આ જ ઘટનામાં આર. સૂદના કમાન્ડિંગ ઓફિસર (જેમણે આદેશ આપ્યો હતો) ને માત્ર સામાન્ય ઠપકો આપી છોડી દેવાયા, જ્યારે આદેશનું પાલન કરનાર આર. સૂદને નોકરીમાંથી કાઢી મુકાયા. કોર્ટે તેને 'સમાનતાના સિદ્ધાંત'નું ઉલ્લંઘન ગણાવ્યું.
-
બલિનો બકરો ન બનાવી શકાય: કોર્ટે સ્પષ્ટ કર્યું કે ઉપરી અધિકારીના આદેશનું પાલન કરનાર ગૌણ અધિકારીને એકલા જવાબદાર ઠેરવી કઠોર સજા આપી શકાય નહીં.
પૈસા કરતા સન્માન મોટું
આર. સૂદ હવે નિવૃત્તિની ઉંમર વટાવી ચૂક્યા હોવાથી તેમને ફરી નોકરીમાં તો ન લઈ શકાય, પરંતુ કોર્ટે તેમના ડાઘા વગરના સૈન્ય કરિયર પર મહોર લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે, "એક સૈનિક માટે તેના સન્માનની પુનઃસ્થાપના એ સૌથી મોટી મૂડી છે." આ ચુકાદો સૈન્ય ન્યાય પ્રણાલીમાં ન્યાયી પ્રક્રિયાના મહત્વને રેખાંકિત કરે છે.

