VIDEO: ખડગેની લાગણી દુભાવા અંગે જે.પી. નડ્ડાએ વ્યક્ત કર્યો ખેદ, 'ઘટનાની નિંદા કરું છું, રાષ્ટ્રીય અધ્યક્ષ આ બાબતની તપાસ કરશે'
રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાજ્યસભામાં ગૃહના નેતા તથા કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા વચ્ચે તીખી બહેસ જોવા મળી હતી. ગૃહમાં પોતાના દલિત હોવાનો ઉલ્લેખ કરતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, "હું આ મુદ્દાને રાજકીય બનાવવા નથી માગતો. હું વર્ષોથી આ ગૃહનો સભ્ય રહ્યો છું. હું અનુસૂચિત જાતિ (દલિત) સમુદાયમાંથી આવું છું. મને મદદ કરો અને મારું રક્ષણ કરો – આવી વિનંતી મેં ક્યારેય કોઈની સામે નથી કરી. મારામાં લડવાની શક્તિ છે અને હું લડું પણ છું. પરંતુ તમે મને અછૂત સમજો છો, મારું 'શુદ્ધીકરણ' કરો છો અને મારું અપમાન કરો છો."
મલ્લિકાર્જુન ખડગેના આ ગંભીર આરોપોનો જવાબ આપતાં કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ સ્પષ્ટતા કરી હતી કે, "હું પહેલા પણ કહી ચૂક્યો છું કે ભારતીય જનતા પાર્ટી આવી પ્રવૃત્તિઓનું સમર્થન કરતી નથી. આ ઘટના આપણા સૌ માટે અને સમગ્ર દેશ માટે ખેદજનક છે. અમે આ બાબતની ચોક્કસ તપાસ કરાવીશું. પરંતુ જો ખડગે સાહેબ એવું કહે કે 'તમે આવું કરો છો', તો એ યોગ્ય નથી..."
રાજ્યસભામાં ગૃહના નેતા અને કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ વિપક્ષના નેતા (LoP) મલ્લિકાર્જુન ખડગેને જવાબ આપતાં કહ્યું: "ખડગેજીએ જે કહ્યું તે ખરેખર દુઃખદ છે - માત્ર કોંગ્રેસ પક્ષ માટે જ નહીં પરંતુ આપણા સૌ માટે... ભાજપ આવી પ્રવૃત્તિઓનું સમર્થન કરતો નથી. ક્યારેય નહીં. પરંતુ અમે આની તપાસ કરીશું. હું તમને ખાતરી આપું છું કે ત્યાં જે કંઈ પણ બન્યું છે તેની ચોક્કસ તપાસ કરવામાં આવશે. પરંતુ હું સ્પષ્ટ કરવા માંગુ છું કે ભાજપ આવી પ્રવૃત્તિઓ સાથે સહમત નથી. હું આની નિંદા કરું છું. રાષ્ટ્રીય અધ્યક્ષ આ બાબતને જોશે. આ આપણા સૌ માટે ખૂબ જ ખેદની વાત છે કે તમારી લાગણીઓને ઠેસ પહોંચી છે."

