નસોમાં વહે છે ઇટાલિયન લોહી!’: વંદે માતરમ વિવાદ પર કેન્દ્રીય મંત્રી કુમારસ્વામીનો સોનિયા ગાંધી પર કટાક્ષ!

80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે કોંગ્રેસ કાર્યાલયમાં આયોજિત સમારોહ દરમિયાન રાષ્ટ્રીય ગીત વંદે માતરમના ગાનને લઈને સર્જાયેલા વિવાદ વચ્ચે કેન્દ્રીય મંત્રી એચ. ડી. કુમારસ્વામીએ આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના વિદેશી મૂળનો મુદ્દો ફરી ઉઠાવતા ભારે રાજકીય ગરમાવો આવી ગયો છે, જેના જવાબમાં કોંગ્રેસે પણ આકરો વળતો પ્રહાર કર્યો છે.
કુમારસ્વામીએ વિદેશી મૂળનો મુદ્દો ઉઠાવ્યો
કેન્દ્ર સરકારના મંત્રી એચ. ડી. કુમારસ્વામી(H.D.Kumaraswamy)એ રાષ્ટ્રીય ગીતના કથિત વિરોધ મુદ્દે સોનિયા ગાંધી (Sonia Gandhi) પર નિશાન સાધતાં કહ્યું કે, 'તેમની પાસેથી બીજી શું અપેક્ષા રાખી શકાય? શું તેઓ આપણા દેશના છે? તેઓ લગ્ન પછી આપણા દેશમાં આવ્યા છે અને તેમની નસોમાં વહેતું લોહી ઈટાલિયન છે. કોંગ્રેસને કદાચ વંદેમાતરમ્ પસંદ નથી અને પક્ષના નેતાઓએ આ બાબતે સંકુચિત માનસિકતા દર્શાવવાની જરૂર નથી.’
ત્યાગ અને ઇતિહાસ અંગે સવાલો
કુમારસ્વામીએ પ્રશ્ન કર્યો કે, ‘હા, તેમના પતિ રાજીવ ગાંધીએ દેશ માટે બલિદાન આપ્યું છે, પરંતુ સોનિયાએ શું ત્યાગ કર્યો છે? તેઓ સ્પષ્ટપણે ભારતીય નથી પરંતુ ઈટાલીથી આવ્યા છે અને તેથી જ ભારતીય ભાવનાઓનો વિરોધ કરી રહ્યા છે.' તેમણે ઈતિહાસ યાદ અપાવતાં કહ્યું કે, કોંગ્રેસના એક અધિવેશનમાં મહાત્મા ગાંધીની ઉપસ્થિતિમાં આ ગીત ગવાયું હતું અને નોબેલ પુરસ્કાર વિજેતા રવીન્દ્રનાથ ટાગોર દ્વારા પણ આ ગીત ગાવામાં આવ્યું હતું.’
કોંગ્રેસે કુમારસ્વામીને હતાશ મંત્રી ગણાવ્યા
કર્ણાટક સરકારના મંત્રી રિઝવાન અરશદે પલટવાર કરતાં કેન્દ્રીય મંત્રીને હતાશ વ્યક્તિ ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, 'જો તેઓ આવી વાતો કરતા હોય તો તેમને ખબર હોવી જોઈએ કે સોનિયાજી ઘણા ભારતીયો કરતાં પણ વધુ ભારતીય છે. તેમના પરિવારે આ દેશ માટે પોતાનો જીવ આપ્યો છે અને તેઓ હંમેશા એકજૂથ તથા ન્યાયપૂર્ણ ભારતના નિર્માણ માટે લડી રહ્યા છે.'
કોંગ્રેસે આરોપો નકારી સ્પષ્ટતા કરી
કોંગ્રેસે આ તમામ આક્ષેપોનું ખંડન કરતાં સ્પષ્ટ કર્યું કે રાષ્ટ્રગીતના સંપૂર્ણ ગાનને રોકવાનો કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નહોતો. પક્ષના જણાવ્યા અનુસાર, લાંબા સમયથી ઊભેલા પક્ષ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) માટે ખુરશી માંગવાનો માત્ર ઇશારો કરવામાં આવી રહ્યો હતો, જેને રાજકીય રીતે ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યો છે.
શું હતો સમગ્ર વિવાદ?
15 ઑગસ્ટે ધ્વજારોહણ કાર્યક્રમમાં વંદેમાતરમ્ ગાન દરમિયાનનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં વંદેમાતરમ્ ગીત દરમિયાન સોનિયા ગાંધી (Sonia Gandhi) અને રાહુલ ગાંધી (Rahul Gandhi) દ્વારા ઈશારા કરી વાંધો ઉઠાવવામાં આવ્યો હોવાનો દાવો કરાયો હતો. આ મામલે કર્ણાટકના મેંગ્લુરુ સ્થિત ઉર્વા પોલીસ સ્ટેશનમાં ભાજપ નેતા વિકાસ કે અને રાજગોપાલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ઉપરાંત દિલ્હીના IP એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં પણ 16 ઑગસ્ટે એક વકીલ દ્વારા રાહુલ ગાંધીએ કથિત રીતે 'અમે વંદેમાતરમ્ નહીં ગાઈએ' તેમ કહ્યું હોવાનો આરોપ લગાવી તપાસની માંગ કરતી ફરિયાદ દાખલ કરાઈ હતી.

