શું રાજકારણ છોડી રહ્યા છે નીતિન ગડકરી? નિવેદન વાયરલ થતાં જ કાર્યાલયે આપી સત્તાવાર સ્પષ્ટતા
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના 'ન

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના 'નવી પેઢીને તક આપવી જોઈએ' વાળા નિવેદન અંગે તેમના કાર્યાલય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. તેમના કાર્યાલયનું કહેવું છે કે, તેઓ લક્ષ્મણરાવ માનકર ટ્રસ્ટ અંગે વાત કરી રહ્યા હતા, અને આ નિવેદનનો કોઈ રાજકીય અર્થ કાઢવો જોઈએ નહીં. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાગપુરના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, તેઓ હવે પહેલા જેટલું કામ કરી શકતા નથી અને હવે સમય આવી ગયો છે કે, નવી પેઢીને જવાબદારી સોંપવામાં આવે. તેમના આ નિવેદન બાદ રાજકીય ગરમાવો આવી ગયો હતો. પરંતુ હવે તેમના કાર્યાલય તરફથી ખુલાસો કરવામાં આવ્યો છે કે, આ નિવેદન એક સામાજિક ટ્રસ્ટના સંદર્ભમાં હતું.
ટ્રસ્ટના કામકાજ અંગે કરી હતી વાત
ગડકરીના કાર્યાલયે સ્પષ્ટ કર્યું છે કે તેઓ 'લક્ષ્મણરાવ માનકર ટ્રસ્ટ' વિશે વાત કરી રહ્યા હતા, જે તેમના દ્વારા બનાવવામાં આવેલું એક સંગઠન છે, અને તે આદિવાસી વિસ્તારોમાં એકલ વિદ્યાલયો ચલાવે છે. આ સંદર્ભમાં ગડકરીએ કહ્યું હતું કે, તેઓ હવે ટ્રસ્ટ માટે વધુ સમય આપી શકતા નથી, તેથી નવી પેઢીને આ જવાબદારી સોંપવાની જરૂર છે. આ વાત માત્ર ટ્રસ્ટના કામકાજ અને તેના ભવિષ્યના નેતૃત્વ સાથે જોડાયેલી હતી.






