VIDEO: FCRA બિલ પર અમેરિકાને ભારતનો જવાબ, વિદેશ મંત્રાલયે કહ્યું- 'આ અમારો આંતરિક મામલો છે'
ભારતના પ્રસ્તાવિત બિલ FCRA અંગે અમેરિકાના સાંસદ રાઇલી મૂરેએ કરેલી ટિપ્પણી પર વિદેશ મંત્રાલયે જવાબ આપ્યો છે. ભારતે અમેરિકાને જવાબ આપ્યો છે કે આ બિલ ભારતનો આંતરિક મામલો છે.
શું કહ્યું હતું અમેરિકાના સાંસદે?
પશ્ચિમ વર્જિનિયાના રિપબ્લિકન નેતા રાઇલી મૂરેએ કહ્યું હતું કે, જો કોઈ ચર્ચ કે ધાર્મિક ચેરિટીનું FCRA રજિસ્ટ્રેશન રદ થાય અથવા રિન્યૂ ન થાય, તો આ નવા કાયદા હેઠળ ભારત સરકાર તેના પર નિયંત્રણ મેળવી શકે છે. આ જોગવાઈઓથી ખ્રિસ્તી સંસ્થાઓ પર અસર પડશે અને તેનાથી ભારત-USના દ્વિપક્ષીય સંબંધો પર પણ માઠી અસર પડી શકે છે.
અમેરિકાને ભારતનો સ્પષ્ટ જવાબ- FCRA અમારો આંતરિક મામલો
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આજે મીડિયાના પ્રશ્નોના જવાબ આપતાં કહ્યું કે, અમે FCRA અંગે કરવામાં આવેલી ટિપ્પણીઓ જોઈ છે. ભારતને લગતી કાયદાકીય બાબતો એ અમારો આંતરિક મામલો છે, જેના પર દેશની સંસદ દ્વારા નિર્ણયો લેવામાં આવે છે. હું સાથે સાથે એ પણ સ્પષ્ટ કરવા માંગુ છું કે અમેરિકા સહિત એવા કેટલાય દેશો છે જે વિદેશી ફંડિંગના પ્રવાહનું નિયમન કરે છે.
કેન્દ્ર સરકાર અનુસાર, FCRAના આ સુધારાનો મુખ્ય હેતુ વિદેશી ફંડમાંથી ઊભી કરવામાં આવેલી જાહેર સંપત્તિઓનું રક્ષણ કરવાનો છે. જો કોઈ સંસ્થાનું રજિસ્ટ્રેશન કેન્સલ થાય, તો પણ તેની પ્રવૃત્તિઓ કાયદાકીય રીતે ચાલુ રહે તે માટે એક સત્તાવાર ઑથોરિટી અસ્થાયી રૂપે વહીવટ સંભાળશે. સરકારે ખાસ સ્પષ્ટતા કરી છે કે જો આવી મિલકતોમાં પૂજાના સ્થળો કે ધાર્મિક સંસ્થાઓનો સમાવેશ થતો હોય, તો Designated Authorityએ તેનું ધાર્મિક સ્વરૂપ અને પવિત્રતા જાળવી રાખીને જ વહીવટ કરવાનો રહેશે.

