VIDEO: ભારતના કૃત્રિમ સૂર્યએ પહેલીવાર પ્લાઝ્મા બનાવ્યું, ફ્યુઝન ઊર્જાની દિશામાં મોટી સફળતા
બેંગલુરુ: ભારતે કૃત્રિમ સૂર્ય (Artificial Sun) અને ફ્યુઝન ઊર્જા (Fusion Energy)ના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે. બેંગલુરુ સ્થિત ખાનગી ફ્યુઝન રિસર્ચ ફર્મ પ્રમોસ ફ્યૂઝન દ્વારા બનાવવામાં આવેલા ટોકામક મશીનમાં પહેલીવાર સફળતાપૂર્વક પ્લાઝ્મા (Plasma)નું સર્જન કરવામાં આવ્યું છે. આ સફળતા ભારતને કૃત્રિમ સૂર્ય બનાવવાના વૈશ્વિક પ્રયાસોમાં વધુ મજબૂત સ્થાન અપાવી શકે છે.
ભારતીય સંશોધકોએ લગભગ આઠ મહિનાની મહેનત બાદ આ ટોકામક મશીન તૈયાર કર્યું છે. ટોકામક એક એવી ખાસ મશીન છે, જેમાં અત્યંત ગરમ પ્લાઝ્માને શક્તિશાળી ચુંબકીય ક્ષેત્ર (Magnetic Field)ની મદદથી નિયંત્રિત કરવામાં આવે છે. ચીન, અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયા સહિત અનેક દેશો લાંબા સમયથી ફ્યુઝન ઊર્જા પર સંશોધન કરી રહ્યા છે.
‘પ્રજ્ઞા’માં સર્જાયું અતિશય ગરમ પ્લાઝ્મા
કંપનીએ લગભગ 40 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા ટોકામક મશીનમાં ‘પ્રજ્ઞા’ નામના કૃત્રિમ સૂર્યનો પ્રયોગ કર્યો હતો. આ પ્રયોગ દરમિયાન ગેસને અત્યંત ઊંચા તાપમાને ગરમ કરવામાં આવ્યો, જેના કારણે તે પ્લાઝ્મામાં પરિવર્તિત થયો. આ પ્લાઝ્માનું તાપમાન લગભગ 20 કરોડ ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આટલા ઊંચા તાપમાને પ્લાઝ્મા લાવા જેવું અત્યંત ગરમ બની જાય છે. તેને સીધા કોઈ પદાર્થની અંદર રાખવું શક્ય નથી, તેથી ચુંબકીય બળની મદદથી તેને નિયંત્રિત કરવામાં આવે છે. આ જ ટેક્નોલોજી ભવિષ્યમાં ફ્યુઝન રિએક્ટર વિકસાવવા માટે મહત્વપૂર્ણ બની શકે છે.
હાલ વીજળી ઉત્પાદન નહીં, સંશોધન પર ભાર
‘પ્રજ્ઞા’નો હાલનો હેતુ વીજળીનું ઉત્પાદન કરવાનો નથી. હાલમાં આ પ્રોજેક્ટ હેઠળ પ્લાઝ્મા બનાવવાની અને તેને નિયંત્રિત કરવાની પ્રક્રિયા અંગે વધુ પરીક્ષણો કરવામાં આવશે. કંપનીની યોજના આ સંશોધનને આગામી બે દાયકા સુધી આગળ વધારવાની છે.
કંપની દર વર્ષે આશરે 3,000 પ્લાઝ્મા શોટ્સ લેવાનો લક્ષ્યાંક ધરાવે છે. એટલે કે દરરોજ સરેરાશ 10થી 12 વખત પ્લાઝ્મા તૈયાર કરવાનો પ્રયાસ કરવામાં આવશે. આ સતત પરીક્ષણોથી ફ્યુઝન રિએક્ટરની ટેક્નોલોજીને વધુ વિકસાવવામાં મદદ મળી શકે છે.
2030 સુધી નેટ એનર્જી ગેઇન રિએક્ટરનું લક્ષ્ય
કંપનીના આયોજન મુજબ 2027માં મેગ્નેટ રિએક્ટર તૈયાર કરવાનો પ્રયાસ કરવામાં આવશે. ત્યારબાદ 2030 સુધીમાં નેટ એનર્જી ગેઇન રિએક્ટર (Net Energy Gain Reactor) બનાવવાની દિશામાં કામ આગળ વધારવામાં આવશે.
નેટ એનર્જી ગેઇનનો અર્થ એ છે કે ફ્યુઝન પ્રક્રિયામાંથી જેટલી ઊર્જા પ્રાપ્ત થાય તે પ્રક્રિયા શરૂ કરવા અને ચલાવવા માટે ખર્ચાયેલી ઊર્જા કરતાં વધુ હોય. જો આ ટેક્નોલોજી સફળ બને તો વધારાની ઊર્જાનો ઉપયોગ અન્ય મશીનો અને ઔદ્યોગિક જરૂરિયાતો માટે કરી શકાય.
ફ્યુઝન ઊર્જાને સ્વચ્છ અને લાંબા ગાળાની ઊર્જાના સંભવિત સ્ત્રોત તરીકે જોવામાં આવે છે. ભારતના આ પ્રયોગથી ભવિષ્યમાં મોટા પાયે ફ્યુઝન ઊર્જા ઉત્પાદન માટે નવી શક્યતાઓ ઊભી થઈ શકે છે

