મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ભારત પાકિસ્તાન બોર્ડર પર વરસાદથી હાલ બેહાલ, અટારી બોર્ડર પાણીમાં ડૂબી

ચોમાસાના ભારે વરસાદથી ભારત પાકિસ્તાન સ્થિત પંજાબની સ્થિતી વધુ ખરાબ થઈ ગઈ છે. અટારી-વાઘા સ

ભારત પાકિસ્તાન બોર્ડર પર વરસાદથી હાલ બેહાલ, અટારી બોર્ડર પાણીમાં ડૂબી

ચોમાસાના ભારે વરસાદથી ભારત પાકિસ્તાન સ્થિત પંજાબની સ્થિતી વધુ ખરાબ થઈ ગઈ છે. અટારી-વાઘા સરહદ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી જતાં અવરજવર અટકી છે. સુરક્ષાની ચિંતાઓ વધી ગઈ છે. ભારતના ગુરદાસપુર, પઠાણકોટ અને તરનતારન જેવા જિલ્લાઓથી લઈને પાકિસ્તાનના પંજાબ પ્રાંત સુધી નદીઓ છલકાઈ રહી છે. ધુસી ડેમ તૂટવાને લીધે અને કરતારપુર કોરિડોરની આસપાસ પાણી ભરાઈ જવાથી ઘણા ગામો પાણીમાં ડૂબ્યા છે. જ્યારે બંને બાજુ હજારો લોકો બેઘર થતા રાહત શિબિરોમાં આશરો લેવાની ફરજ પડી છે.

ચોમાસાના વરસાદથી ભારત અને પાકિસ્તાન બંને બાજુ પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. વાઘા બોર્ડર પરથી મળેલી તસવીરોમાં, આખો વિસ્તાર પાણીમાં ડૂબેલો જોવા મળે છે, જેના કારણે સરહદ પર અવરજવર અટકી ગઈ છે અને સુરક્ષા એજન્સીઓની ચિંતા પણ વધી ગઈ છે.

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પણ પરિસ્થિતિ લગભગ આવી જ છે. સમાચાર એજન્સી એપીના અહેવાલ મુજબ, 2,10,000 થી વધુ લોકો વિસ્થાપિત થયા છે. પૂર અને વરસાદને કારણે અનેક ગામડાઓ ડૂબી રહ્યા છે અને ઝડપી વહેતું પાણી ભારતીય સરહદ તરફ પણ આવી રહ્યું છે, જેના કારણે સરહદને અડીને આવેલા વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે.  

પૂરનો સામનો કરવા માટે સેના તૈનાત

પંજાબ પ્રાંતમાં પૂરથી થયેલા વિનાશનો સામનો કરવા માટે પાકિસ્તાન સરકારે બુધવારે ઔપચારિક રીતે સેનાને બોલાવી છે. આ માટે ગૃહ મંત્રાલયે એક સત્તાવાર સૂચના જારી કરી. દેશનો સૌથી મોટો પ્રાંત પંજાબ હાલમાં ગંભીર પૂરનો સામનો કરી રહ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં પાકિસ્તાનમાં ચોમાસાના વરસાદ અને પૂરને કારણે 800થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. સરગોધા, લાહોર, ઓકારા, ફૈસલાબાદ, સિયાલકોટ, નારોવાલ અને કાસુર જિલ્લામાં પણ સેનાના જવાનો તૈનાત કરવામાં આવશે. સમાચાર એજન્સી અનુસાર મોસમી વરસાદ 26 જૂનથી શરૂ થયો હતો અને અત્યાર સુધીમાં દેશના વિવિધ ભાગોમાં ઓછામાં ઓછા આઠ ચોમાસાના વરસાદ પડ્યા છે. આ અને સતત વરસાદને કારણે આવેલા પૂરને કારણે અત્યાર સુધીમાં 809 લોકો મૃત્યુ પામ્યા છે અને 1,100 થી વધુ લોકો ઘાયલ થયા છે.

આ સમાચાર શેર કરો