Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : India is deeply upset by the attack on the UAE nuclear plant, gave a clear message to Iran

UAE પરમાણુ પ્લાન્ટ પર હુમલાથી ભારત ભારે નારાજ, ઈરાનને આપ્યો સ્પષ્ટ મેસેજ

Timeછેલ્લું અપડેટ : 18 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

UAE Barakah Nuclear Plant Drone Attack: પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલા ભીષણ તણાવ વચ્ચે સંયુક્ત અરબ અમીરાત (UAE) ના પરમાણુ પ્લાન્ટ પર થયેલા ડ્રોન હુમલાએ વૈશ્વિક સ્તરે ચિંતા વધારી દીધી છે. આ મામલે ભારતે પણ કડક વલણ અપનાવ્યું છે. જોકે ઈરાન તરફથી આ હુમલામાં કોઈપણ ભૂમિકા હોવાના અહેવાલોને રદીયો આપી દેવામાં આવ્યો છે. 

App Store

બરાકાહ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પર ડ્રોન એટેક

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું સંકટ હવે એક નવો વળાંક લઈ રહ્યું છે. રવિવારે સંયુક્ત અરબ અમીરાત (UAE) ના અલ ધફરા પ્રદેશમાં આવેલા 'બરાકાહ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ' ના પરિસરમાં એક મોટો ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાના કારણે પ્લાન્ટની બહારના ભાગમાં આવેલા એક ઇલેક્ટ્રિકલ જનરેટરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જો કે, ફેડરલ ઓથોરિટી ફોર ન્યુક્લિયર રેગ્યુલેશન (FANAR) એ પુષ્ટિ કરી છે કે આ આગથી પ્લાન્ટની આંતરિક સુરક્ષા અથવા તેની મુખ્ય પ્રણાલીઓને કોઈ નુકસાન થયું નથી અને તમામ યુનિટ સામાન્ય રીતે કામ કરી રહ્યા છે. આ હુમલામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

ભારતની કડક પ્રતિક્રિયા અને ઈરાનને સંદેશ

આ હુમલા બાદ સોમવારે ભારતીય વિદેશ મંત્રાલયે એક સત્તાવાર નિવેદન જારી કરીને આ ઘટનાની સખત શબ્દોમાં નિંદા કરી છે. ભારતે આ હુમલાને 'ઉશ્કેરણીજનક અને અત્યંત ખતરનાક કાર્યવાહી' ગણાવી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, "ભારત UAE ના એકમાત્ર પરમાણુ પ્લાન્ટને નિશાન બનાવીને કરવામાં આવેલા હુમલાથી ગંભીર રીતે ચિંતિત છે. આવી ઘટનાઓ તદ્દન અસ્વીકાર્ય છે." રાજદ્વારી નિષ્ણાતોના મતે, ભારત અને ઈરાન વચ્ચે સારા સંબંધો હોવા છતાં, ભારતે આ હુમલાની નિંદા કરીને ઈરાનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સાર્વભૌમત્વ પરના હુમલા સહન કરી શકાય નહીં. જો કે, પોતાની સંતુલિત કૂટનીતિ જાળવી રાખતા ભારતે તમામ પક્ષોને વધતા જતા પ્રાદેશિક તણાવ વચ્ચે સંયમ રાખવા અને કૂટનીતિ તેમજ સંવાદના માર્ગે પરત ફરવા અપીલ કરી છે.

હુમલા પાછળ કોનો હાથ? UAE નો ઈરાન પર આરોપ

આ હુમલાની જવાબદારી હજુ સુધી કોઈ સંગઠને સત્તાવાર રીતે લીધી નથી, પરંતુ UAE નો સીધો ઈશારો ઈરાન તરફ છે. UAE એ આને વિના કારણે કરવામાં આવેલો આતંકવાદી હુમલો ગણાવ્યો છે અને ચેતવણી આપી છે કે તે પોતાની સાર્વભૌમત્વ પર કોઈ પણ ખતરો સહન નહીં કરે. અગાઉ 5 મે ના રોજ પણ UAE એ ઈરાન તરફથી મિસાઈલ અને ડ્રોન હુમલાનો દાવો કર્યો હતો, જેને ઈરાની સૈન્ય કમાન્ડે નકારી કાઢ્યો હતો. વાસ્તવમાં, ઈરાનને શંકા છે કે અમેરિકા તેની પર હુમલો કરવા માટે UAE ની ધરતીનો ઉપયોગ કરી રહ્યું છે, જેના કારણે બંને દેશો વચ્ચે દુશ્મનાવટ ચરમસીમાએ પહોંચી છે.

શા માટે ખાસ છે બરાકાહ ન્યૂક્લિયર પ્લાન્ટ?

દક્ષિણ કોરિયાની મદદથી તૈયાર કરવામાં આવેલો આ બરાકાહ પરમાણુ પ્લાન્ટ વર્ષ 2020થી કાર્યરત છે અને તે સમગ્ર અરબ જગતનો એકમાત્ર સક્રિય પરમાણુ ઉર્જા પ્લાન્ટ છે. આશરે 20 અબજ ડોલર ( $20 Billion ) ના ખર્ચે બનેલો આ પ્લાન્ટ સંયુક્ત અરબ અમીરાતની લગભગ ચોથા ભાગની (25%) વીજળીની જરૂરિયાતોને એકલો પૂરો કરે છે. આ વ્યૂહાત્મક પ્લાન્ટ પરના હુમલાએ અમેરિકા, ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા નાજુક યુદ્ધવિરામ અને વૈશ્વિક ઉર્જા બજારની ચિંતાઓમાં મોટો વધારો કર્યો છે.