મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દેશભરમાં કુદરતના અલગ રૂપ દેખાયા! ક્યાંક હાડ થીજવતી ઠંડી તો ક્યાંક જીવલેણ પ્રદૂષણ, હવે દક્ષિણમાં વરસાદની ચેતવણી

દેશભરમાં ગુરુવારે હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. સેન્યોર વા

દેશભરમાં કુદરતના અલગ રૂપ દેખાયા! ક્યાંક હાડ થીજવતી ઠંડી તો ક્યાંક જીવલેણ પ્રદૂષણ, હવે દક્ષિણમાં વરસાદની ચેતવણી

દેશભરમાં ગુરુવારે હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. સેન્યોર વાવાઝોડું નરમ પડયું છે, પરંતુ બંગાળની ખાડીમાં હવે દિતવાહ ચક્રવાત સર્જાઈ રહ્યું છે, જેના કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. બીજીબાજુ ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી લોકોને કંપાવી રહી છે. કાશ્મીરમાં તાપમાન માઈનસથી નીચે ગયું છે જ્યારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સતત 14મા દિવસે હવાની ગુણવત્તા ખરાબ રહી હતી, એક્યુઆઈ 400ને પાર નોંધાયો હતો. મુંબઈમાં કન્સ્ટ્રક્શનના કામકાજ તથા ટોક્સિક પાર્ટીકલના કારણે હવાના પ્રદૂષણમાં નોંધપાત્ર વધારો થયો છે. 

ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી

ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડીનું જોર યથાવત રહ્યું છે. કાશ્મીર ખીણમાં લઘુત્તમ તાપમાન શૂન્યથી નીચે રહ્યું છે. શ્રીનગરમાં માઈનસ 4.4 ડિગ્રી સે. તાપમાન સાથે આ સીઝનની સૌથી ઠંડી રાત અનુભવાઈ હતી. એ જ રીતે દક્ષિણ કાશ્મીરના પુલવામામાં તાપમાન માઈનસ 5.5 ડિગ્રી સે. જ્યારે કોકેરનાગમાં માઈનસ 1.6 ડિગ્રી સે. નોંધાયું હતું. હવામાન વિભાગે કાશ્મીરમાં તાપમાન વધુ નીચે જવાની ચેતવણી આપી હતી. હિમાચલ પ્રદેશમાં પણ ઠંડીનો પ્રકોપ યથાવત્ રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ગુરુવારે તાપમાન શૂન્યથી નીચે નોંધાયું હતું. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન લાહૌલ સ્પીતિ જિલ્લાના તાબોમાં માઈનસ 7.3 ડિગ્રી સે. અને કુકુમસેરીમાં માઈનસ 5.7 ડિગ્રી સે. નોંધાયું હતું. 

દિલ્હીની હવામાં પ્રદૂષણ ઘટવાના કોઈ સંકેત નહિ

દિલ્હીમાં પણ ઠંડીની અસર વધી હતી. જોકે, આ સાથે ગુરુવારે પણ હવાની ગુણવત્તા સતત 14મા દિવસે અત્યંત ખરાબ કેટેગરીમાં રહી હતી. શહેરમાં ગુરુવારે એક્યુઆઈ 400ને પાર ગયો હતો અને આગામી સપ્તાહમાં દિલ્હીવાસીઓને હવાના પ્રદૂષણમાંથી છૂટકારો મળવાના કોઈ સંકેત નથી. દિલ્હીના રોહિણી, વિવેક વિહાર, આનંદ વિહાર, નહેરુનગર જેવા વિસ્તારોમાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. 

નિષ્ણાતોનું કહેવું છે કે પીએમ 2.5 અને પીએમ 10નું સ્તર ખૂબ જ ઊંચું છે, જે ફેફસાં અને હૃદયની બીમારીઓ વધારે છે. દિલ્હીમાં હવાના પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે થયેલી એક અરજીને વધુ સુનાવણી માટે ૩ ડિસેમ્બર પર મુલતવી રખાઈ હતી. 

મુખ્ય ન્યાયાધીશે 'હેલ્થ ઈમર્જન્સી' કરી જાહેર

આ સમયે મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે શ્વાસ રુંધતા પ્રદૂષણને 'હેલ્થ ઈમર્જન્સી' જાહેર કરી હતી. તેમણે કહ્યું કે, ન્યાય તંત્રી એવી કઈ જાદુઈ લાકડી ચલાવે કે દિલ્હીની હવા સાફ થઈ જાય. સુપ્રીમ કોર્ટે નિષ્ણાતો પાસેથી હવાનું પ્રદૂષણ દૂર કરવા માટે લાંબાગાળાના સમાધાન માટે ઉપાયો માગ્યા હતા. સીજેઆઈ સૂર્યકાંતે કહ્યું, સવારે હવાનું પ્રદૂષણ ખૂબ જ વધુ હોવાથી તેમણે ચાલવાનું બંધ કરી દીધું છે.

મુંબઈમાં પણ પ્રદૂષણનું પ્રમાણ વધ્યું

બીજીબાજુ મુંબઈમાં ગાઢ ધુમ્મસ, કન્સ્ટ્રક્શન ધૂળ અને ટોક્સિક પાર્ટિકલ્સના કારણે હવાનું પ્રદૂષણ વધ્યું છે. એક્યુઆઈ 300થી ઉપર ગયો છે. પરિણામે મુંબઈ મ્યુનિસિપાલિટીએ બિલ્ડરો માટે માર્ગદર્શિકા જાહેર કરી છે તથા પહેલા અને બીજા તબક્કાના પ્રદૂષણ નિયંત્રણો લાગુ કર્યા છે. સરકારે લોકોને જરૂર ન હોય તો નહીં નીકળવા સલાહ આપી છે.

બંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત

દરમિયાન સેન્યોર ચક્રાવાત મલક્કા જલડમરુમધ્ય અને ઉત્તર-પૂર્વીય ઈન્ડોનેશિયાના ભાગમાં સક્રિય છે, પરંતુ તે હવે નબળું પડી રહ્યું છે. જોકે, તે નબળું પડયા પછી હવે બંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત 'દિતવાહ' સર્જાઈ રહ્યું છે. હવામાન વિભાગે તમિલનાડુ અને આંધ્ર પ્રદેશના દરિયા કિનારાના વિસ્તારોને સાવધ રહેવા ચેતવણી આપી છે. 

ભારેથી અતિભારે વરસાદની આગાહી

દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી તથા શ્રીલંકાના દરિયા કિનારા નજીક બનેલું ડિપ્રેશન હવે ડીપ ડિપ્રેશનમાં બદલાયું છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી 12 કલાકની અંદર તેના ચક્રવાતી તોફાનમાં બદલાવાની શક્યતાઓ છે, જેને પગલે તમિલનાડુ, પુડુચેરી અને આંધ્ર પ્રદેશમાં આગામી 24 કલાકમાં 20 સેમીથી વધુનો અતિ ભારે વરસાદ ખાબકવાની આશંકા છે.

હવામાન વિભાગે કહ્યું કે, આ સપ્તાહના અંત સુધીમાં તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયા કિનારાના વિસ્તારોમાં પ્રતિ કલાક 90 કિ.મી.ની ઝડપે પવન ફુંકાશે તથા સમુદ્રમાં ઊંચી લહેરો જોવા મળી શકે છે. 

ચક્રવાત દિતવાહની આગાહીના પગલે મુખ્યમંત્રી સ્ટાલિનના નેતૃત્વમાં તમિલનાડુ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે વિશેષ પહેલોની સમીક્ષા કરી હતી.

આ સમાચાર શેર કરો