"હું તમારું સૌથી ખરાબ સપનું છું..." સુકેશ ચંદ્રશેખરે કેજરીવાલને આપી ખુલ્લી ધમકી, AAPના વધુ 3 મોટા કૌભાંડોનો થશે પર્દાફાશ!

મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ મહાઠગ સુકેશ ચંદ્રશેખરે આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને એક નવો પત્ર લખ્યો છે. 20 ઓગસ્ટ 2026ના રોજ લખાયેલા આ પત્રમાં સુકેશે આમ આદમી પાર્ટી સરકારના વધુ 3 મુખ્ય વિભાગોમાં થયેલા કૌભાંડોનો પર્દાફાશ કરવાની ખુલ્લી ધમકી આપી છે.
‘લિકર પોલીસી’ અને ‘જલ બોર્ડ’ પછી વધુ 3 કૌભાંડ ટાર્ગેટ પર
સુકેશ ચંદ્રશેખરે પોતાના પત્રમાં દાવો કર્યો છે કે દિલ્હી લિકર પોલિસી અને દિલ્હી જલ બોર્ડ કૌભાંડ અંગે તેણે કરેલા અગાઉના આરોપો સાચા સાબિત થયા છે. તેણે પત્રમાં લખ્યું કે, "તમારા ભ્રષ્ટાચારને છતો કરવાનો એક વધુ તબક્કો પૂરો થયો છે. લિકર પોલિસી અને જલ બોર્ડ પછી હવે વધુ 3 કૌભાંડો લાઇનમાં છે. તમારી સરકારના વધુ 3 મહત્ત્વના વિભાગોના ભ્રષ્ટાચાર ટૂંક સમયમાં સામે લાવવામાં આવશે."
AAP ને ગણાવી ‘એની ટાઇમ, ઓલવેઝ પાર્ટી ઓફ સ્કેમ’
આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કરતા સુકેશે AAP નું નવું નામ આપતાં તેને "એની ટાઇમ, ઓલવેઝ પાર્ટી ઓફ સ્કેમ" (Anytime, Always Party of Scam) ગણાવી હતી. પંજાબના રાજકારણનો ઉલ્લેખ કરતા તેણે ઉમેર્યું કે, "પંજાબની જનતાને ફરીથી મૂર્ખ બનાવવાનું ભૂલી જજો, લોકો તમને સત્તા પરથી ફેંકી દેશે. દિલ્હીની જેમ પંજાબમાં પણ જનતા તમારા અહંકાર અને કૌભાંડી પાર્ટીને પાઠ ભણાવશે."
‘GEN Z’ અને પ્રોક્સીઓનો પર્દાફાશ કરવાનો દાવો
સુકેશ ચંદ્રશેખરે અરવિંદ કેજરીવાલ પર દેશના યુવાનો અને 'GEN Z' ને ભડકાવવા માટે 'પ્રોક્સી' કે વ્યક્તિઓ) નો ઉપયોગ કરવાનો આરોપ પણ લગાવ્યો છે. તેણે દાવો કર્યો કે તે આ તમામનો પર્દાફાશ કરશે. 2015 અને 2016ના સમયગાળાનો ઉલ્લેખ કરતા સુકેશે પત્રમાં લખ્યું કે, "કેજરીવાલજી, તમને અને તમારા પ્રોક્સી સાથીઓને 2015-16ના એસોસિએશન યાદ જ હશે. તમે કદાચ ભ્રમમાં હશો પણ મારી પાસે બધી વિગતો છે, હું ટૂંક સમયમાં તમને સરપ્રાઇઝ આપીશ."
દેશના યુવાનોને મૂર્ખ બનાવી શકશો નહી
પત્રના અંતમાં તેણે લખ્યું કે, "તમે લોકો દાસ અને ભવિષ્ય સમાન દેશના યુવાનોને મૂર્ખ બનાવી શકશો નહીં. કેજરીવાલજી અને સત્યેન્દ્રજી, તમને જેલ ભાગ-2.0 માટે અભિનંદન. આ વખતે હું તમારો સંપૂર્ણ પર્દાફાશ કરવા આવી રહ્યો છું." સુકેશે પત્રના અંતે પોતાને કેજરીવાલ અને તેમની પાર્ટી માટે "સૌથી ખરાબ સ્વપ્ન" (Your worst nightmare) ગણાવ્યો હતો.

