Video: "જો 2024ની ચૂંટણી ગેરકાયદેસર હતી, તો રાહુલ ગાંધીએ સાંસદ પદેથી રાજીનામું આપી દેવું જોઈએ" રાહુલ ગાંધીના આક્ષેપો બાદ ભાજપનો પલટવાર

સોર્સ: gstv

સીમાંકન બિલ (Delimitation Bill) અને 2024ની લોકસભા ચૂંટણીની કાયદેસરતા અંગે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કરેલા આક્ષેપો બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) એ આકરો વળતો પ્રહાર કર્યો છે. મીડિયા અહેવાલો અનુસાર, ભાજપે રાહુલ ગાંધીના નિવેદનને નિશાન બનાવતા જણાવ્યું છે કે જો 2024ની ચૂંટણી નકલી કે ગેરકાયદેસર હતી, તો રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય સાંસદોએ પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ.

શું છે સમગ્ર વિવાદ? 

અગાઉ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો હતો કે ચૂંટણી પંચના ડેટા મુજબ 2024ની લોકસભા ચૂંટણીમાં 14 કરોડ અયોગ્ય મતદારોએ મતદાન કર્યું હતું, જેના કારણે 2024ની ચૂંટણી ગેરકાયદેસર હતી. આ ઉપરાંત, તેમણે આક્ષેપ કર્યો હતો કે ભાજપ મહિલા અનામતના બહાને લોકસભાની બેઠકો વધારીને 850 કરવા માંગે છે જેથી તે પોતાના ફાયદા મુજબ દેશનો ચૂંટણી નકશો બદલી શકે.

જાહેરાત

રાહુલ ગાંધીના આ નિવેદનો પર પ્રતિક્રિયા આપતા ભાજપના નેતાઓએ સવાલ ઉઠાવ્યો છે કે રાહુલ ગાંધી જે ચૂંટણી પ્રક્રિયા દ્વારા ચૂંટાઈને લોકસભામાં વિપક્ષના નેતા બન્યા છે, તે જ ચૂંટણીને તેઓ ગેરકાયદેસર ગણાવી રહ્યા છે. ભાજપના મતે, જો રાહુલ ગાંધીને આ ચૂંટણી પર વિશ્વાસ ન હોય તો તેમણે નૈતિકતાના ધોરણે રાજીનામું આપવું જોઈએ.

કોંગ્રેસના શાસનમાં ત્રણ વખત સીમાંકન થયું, ત્યારે તાનાશાહી ન હતી?

તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીની સરકારમાં ત્રણ-ત્રણ વખત સીમાંકન થયું હતું, તો શું ત્યારે તાનાશાહી હતી? તાનાશાહી ત્યારે હતી, જ્યારે ઇન્દિરા ગાંધી ચૂંટણી હારી ગયાં હતાં. રાહુલ ગાંધી પોતાનું હોમવર્ક કરતા નથી. રાહુલ ગાંધીને ખોટું બોલવામાં PhD પ્રાપ્ત છે. ભારતના લોકતંત્રનાં મૂળ મજબૂત છે. તેને બદનામ કરવાનું બંધ કરો. વડાપ્રધાન બનવા માટે રાહુલ ગાંધી કંઈ પણ કરવા તૈયાર છે.

રાહુલ ગાંધીને મહિલા બિલને સમર્થન આપવા અપીલ

ભાજપ નેતાએ પ્રહાર કર્યો કે-'રાહુલ ગાંધીએ કહ્યું કે અમને ચશ્માં બતાવશો નહીં. તમારી આખી પાર્ટીનું વલણ વિપક્ષના અવાજોને દબાવવાનું રહ્યું છે.' તેમણે અપીલ કરી કે મહિલા બિલને સમર્થન આપો. જો ભારતીય રાજકારણમાં રાહુલ ગાંધીને અલગ જ રસ્તે ચાલવું હોય તો તેઓ હારશે. ત્રણ વખત પરિસીમન થયું તો શું લોકતંત્ર ખતમ થઈ ગયું હતું? દેશે આગળ વધવું જોઈએ અને મહિલાઓને તક મળવી જોઈએ. એક હતાશ રાહુલ ગાંધીની હતાશાભરી ટિપ્પણીનો વધુ જવાબ આપવાની જરૂર નથી.

ઉલ્લેખનીય છે કે 30 નવેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના વિશેષ સત્ર પહેલા સીમાંકન બિલ અને મહિલા અનામત મુદ્દે સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે નિવેદનબાજી તેજ બની છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત