મમતા બેનરજીએ રાજીનામું ન આપ્યું, તો હવે કેવી રીતે બનશે ભાજપનો CM? જાણો નિયમ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામોમાં ભાજપને પ્રચંડ બહુમતી મળી છે. આ સાથે જ રાજ્યમાં પ્રથમવાર ભાજપ સરકાર બનવાનો માર્ગ ખુલી ગયો છે. બીજી તરફ, 15 વર્ષ સુધી સત્તા ભોગવનાર મુખ્યમંત્રી મમતા બેનરજીએ રાજીનામું આપવાનો ઈનકાર કરી દીધો છે. આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઉભો થાય છે કે, જો મુખ્યમંત્રી પદ છોડવા તૈયાર ન હોય તો નવી સરકાર કેવી રીતે બનશે અને રાજ્યપાલ પાસે કઈ સત્તાઓ હોય છે.
વિધાનસભાનો કાર્યકાળ પૂરો થતા સભ્યપદ આપોઆપ રદ
નિયમ મુજબ, 7 મે 2026ના રોજ 17મી બંગાળ વિધાનસભાનો કાર્યકાળ પૂરો થવાનો છે. 8 મેના રોજ સદન ભંગ થઈ જશે, જેના કારણે તમામ ધારાસભ્યોનું સભ્યપદ આપોઆપ રદ થઈ જશે. બંધારણીય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, વિધાનસભા ભંગ થયા પછી મમતા બેનરજી સત્તાવાર રીતે મુખ્યમંત્રી રહેશે નહીં, કારણ કે નવી સરકારની રચના માટે નવા મુખ્યમંત્રીની પસંદગી ફરજીયાત છે.
જો CM મમતા બેનરજી રાજીનામું ન આપે તો...
જો મુખ્યમંત્રી ચૂંટણીમાં હાર્યા પછી પણ રાજીનામું આપવાનો ઈનકાર કરે, તો રાજ્યપાલ પાસે વિશેષ સત્તાઓ હોય છે. રાજ્યપાલ હારેલા મુખ્યમંત્રી પાસે રાજીનામું માંગી શકે છે અને જો તેઓ ના પાડે તો તેમને પદ પરથી બરતરફ કરી શકે છે. કલમ-164 હેઠળ રાજ્યપાલને નવો મુખ્યમંત્રી નિયુક્ત કરવાની અને શપથ અપાવવાની શક્તિ મળે છે. રાજ્યપાલ બહુમતી ધરાવતા પક્ષના નેતાને સરકાર બનાવવા માટે આમંત્રણ આપી શકે છે. જો કોઈ ગંભીર બંધારણીય ઈમરજન્સી ઉભી થાય, તો રાજ્યપાલ કલમ-356 હેઠળ રાષ્ટ્રપતિ શાસનની ભલામણ પણ કરી શકે છે. જોકે, સ્પષ્ટ જનાદેશ હોવાથી આની જરૂર પડતી નથી.
મમતા બેનરજીના ગંભીર આક્ષેપો
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મમતા બેનરજીએ આક્ષેપ કર્યો હતો કે, 'હું હારી નથી, મને હરાવવામાં આવી છે.' તેમણે ભાજપ પર 100 બેઠકોની ચોરી કરવાનો અને ચૂંટણી પંચ સાથે મળીને છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, તેમની લડાઈ ભાજપ સામે નહીં પણ ચૂંટણી પંચ સામે હતી અને કાઉન્ટિંગ સેન્ટર પર તેમની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી. ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવાથી, મમતા બેનરજી રાજીનામું આપે કે ન આપે, પરંતુ બંધારણીય રીતે તેઓ હવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી રહી શકશે નહીં અને રાજ્યપાલ ટૂંક સમયમાં જ નવા મુખ્યમંત્રીની નિમણૂક કરશે.

