VIDEO: 'મને દુઃખ છે કે હું બિહાર સરકારનું સમર્થન કરું છું', નીતિશ પર ભડક્યા ચિરાગ પાસવાન

કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને નીતીશ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, બિહારમાં એક પછી એક ગુનાહિત ઘટનાઓ બની રહી છે. અને તંત્ર ગુનેગારો સામે ઝૂકી રહ્યું હોય તેવું લાગે છે. બિહારમાં હત્યા, લૂંટ, અપહરણ, બળાત્કારની ઘટનાઓ સતત બની રહી છે. તેમાં કોઈ ઘટાડો કેમ થતો નથી.
મને દુઃખ છે કે હું આવી સરકારને ટેકો આપી રહ્યો છું: ચિરાગ પાસવાન
ચિરાગ પાસવાને કહ્યું કે હું દુઃખી છું કે હું એવી સરકારને ટેકો આપી રહ્યો છું, જ્યાં ગુના સંપૂર્ણપણે બેલગામ બની ગયા છે. બિહારીઓ અહીં સુરક્ષિત નથી. સરકારે સમયસર જાગવાની જરૂર છે. છેલ્લા કેટલાક દિવસોમાં બિહારમાં હત્યાની અનેક ઘટનાઓ સામે આવી છે. પટનાના પ્રખ્યાત ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની ગુંડાઓ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ખેમકા એપાર્ટમેન્ટની બહાર તેમની કારમાંથી બહાર નીકળ્યા એ સમયે હેલ્મેટ પહેરીને બહાર ઉભેલા એક બદમાશે તેમને ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
આ ઘટના પછી પણ બિહારના ઘણા જિલ્લાઓમાંથી હત્યાના સમાચાર આવ્યા હતા. ગયા અઠવાડિયે હોસ્પિટલમાં ગેંગસ્ટર ચંદન મિશ્રાની ગોળી મારીને હત્યા કરાઈ હતી. જેના CCTV પણ સામે આવ્યા હતા. 5 બદમાશોએ હોસ્પિટલમાં ઘૂસીને હત્યા કરી હતી. એટલું જ નહીં હત્યા કરીને તેની ઉજવણી પણ કરી હતી.
અગાઉ LJP (R) ના પ્રમુખ ચિરાગ પાસવાને કહ્યું હતું કે તેઓ બિહારના રાજકારણમાં પ્રશાંત કિશોરની "પ્રામાણિક ભૂમિકા" ની પ્રશંસા કરે છે. કારણ કે જે કોઈ જાતિ, સંપ્રદાય કે ધર્મને બદલે રાજ્ય વિશે વિચારે છે તેનું ત્યાં સ્વાગત છે. કોઈ બીજાના એજન્ડાને હાઇજેક કરી શકતું નથી. પ્રશાંત કિશોર બિહારના રાજકારણમાં પ્રામાણિક ભૂમિકા ભજવી રહ્યા છે, જેની હું પ્રશંસા કરું છું.

