મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: છત પરથી હેલીકોપ્ટર ઉડતાની સાથે જ તૂટી ગયું મકાન, સેનાએ 25 લોકોનો બચાવ્યો જીવ

દેશભરમાં ચોમાસાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. જમ્મુ કાશ્મીર બાદ પંજાબમાં પણ વરસાદે પોતાનું ઉગ્ર સ્વરૂપ બ

દેશભરમાં ચોમાસાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. જમ્મુ કાશ્મીર બાદ પંજાબમાં પણ વરસાદે પોતાનું ઉગ્ર સ્વરૂપ બતાવ્યું છે. મેદાની વિસ્તારોમાં પણ વરસાદના કહેરથી જનજીવન સંપૂર્ણપણે ખોરવાયું છે. પંજાબના પઠાણકોટ જિલ્લામાં માધોપુર હેડવર્ક્સ નજીક એક મોટું બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. સેનાએ પૂરમાં ફસાયેલા 22 CRPF જવાનો અને 3 નાગરિકોને બચાવ્યા હતા. સેનાના બચાવ કાર્ય બાદ ઘર સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયું.

પંજાબમાં મુશળધાર વરસાદ વચ્ચે ડેમમાંથી સતત પાણી છોડવામાં આવતા પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. અત્યાર સુધીમાં નદી કિનારે વસેલા અનેક ગામડાઓ પાણીમાં ડૂબ્યા છે. હજારો એકર જમીનનો પાક પાણીમાં ડૂલ છે. ઘણા ગામોનો સંપર્ક તૂટ્યો છે. લોકોના ઘરોને નુકસાન થયું છે. આવી સ્થિતિમાં લોકો પોતાનો જીવ બચાવવા માટે સુરક્ષિત સ્થળો તરફ આગળ વધી રહ્યા છે.

પંજાબમાં પૂરનો કહેર

હકીકતમાં સતત ભારે વરસાદને કારણે પંજાબના ઘણા ભાગોમાં અચાનક પાણી ભરાઈ ગયા છે. વરસાદને કારણે સતલજ, બિયાસ, રાવી અને નાની મોસમી નદીઓ પૂર આવ્યા છે. 'આર્મી એવિએશન'ના હેલિકોપ્ટરો રાહત બચાવ કામગીરીમાં જોડાયા છે. આ દરમિયાન માધોપુર હેડવર્ક્સ નજીક ફસાયેલા 22 CRPF જવાનો અને 3 નાગરિકોને બચાવ્યા હતા.

આજે વહેલી સવારે પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે આર્મી એવિએશનના હેલિકોપ્ટરોએ બચાવ કામગીરી શરૂ કરી. ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. હેલિકોપ્ટર દ્વારા લોકોને બચાવી ઉડાન ભરી કે તુરંત જ મકાન ધરાશાયી થયું હતું.

રાહત અને બચાવ કામગીરી ચાલુ  
બેકાબૂ પરિસ્થિતિઓ વચ્ચે સેના, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, NDRF અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ સાથે પંજાબ પોલીસ મળીને રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે. લોકોને હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે.

30 ઓગસ્ટ સુધી બધી શાળાઓ બંધ રહેશે
પંજાબમાં પૂરની સ્થિતિ અને વરસાદની ચેતવણી વચ્ચે તમામ શાળાઓ ચાર દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની તમામ પ્રાથમિક, માધ્યમિક, વરિષ્ઠ માધ્યમિક સરકારી અને ખાનગી શાળાઓ 27 ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધી બંધ રહેશે.

આ સમાચાર શેર કરો