તહેવારો પહેલા ખાંડના ભાવમાં રાહતની આશા, સરકારે જથ્થાબંધ ગ્રાહકો માટે સ્ટોક મર્યાદા વધારી

આગામી તહેવારો દરમિયાન ખાંડની વધતી માગને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે જથ્થાબંધ વપરાશકારો માટે સ્ટોક રાખવાની મર્યાદા વધારી દીધી છે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે આપેલી માહિતી મુજબ, હવે આવા મોટા ગ્રાહકો પોતાની 30 દિવસની જરૂરિયાત જેટલો ખાંડનો સ્ટોક રાખી શકશે, જે મર્યાદા અત્યાર સુધી માત્ર 15 દિવસની હતી.
કોને મળશે આ રાહતનો લાભ?
આ નવો નિયમ દર મહિને 10 ટનથી વધુ ખાંડનો વપરાશ કરતા મોટા ઔદ્યોગિક એકમો પર લાગુ થશે. જોકે 15 દિવસથી વધુનો સ્ટોક રાખવા માટે એક શરત નક્કી કરવામાં આવી છે. આ વધારાનો સ્ટોક માત્ર ટેરિફ રેટ ક્વોટા (TRQ) અથવા એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ (AAS) હેઠળ આયાત કરાયેલી ખાંડનો જ હોવો જોઈએ. ખુલ્લા બજારમાંથી ખરીદેલી ખાંડ માટે સ્ટોક મર્યાદા અગાઉની જેમ 15 દિવસની જ રહેશે.
દર શુક્રવારે પોર્ટલ પર આપવી પડશે વિગત
સરકારે સ્ટોક પર નજર રાખવા માટે નવી વ્યવસ્થા ગોઠવી છે. મોટા વપરાશકારોએ દર શુક્રવારે ખાદ્ય મંત્રાલયના સત્તાવાર પોર્ટલ પર પોતાની પાસે રહેલા ખાંડના સ્ટોકની વિગતો જાહેર કરવી પડશે. આ નિર્ણયથી તહેવારોમાં ઔદ્યોગિક એકમોને ખાંડનો પૂરતો પુરવઠો મળશે અને સ્થાનિક બજાર પર વધારાનું દબાણ નહીં આવે.
ભાવ ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવા સૂચના
કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે, મિલ સ્તરે ખાંડના ભાવમાં આશરે 25 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે છૂટક બજારમાં ભાવ 65 રૂપિયાથી ઘટીને 58.50 રૂપિયા સુધી જ પહોંચ્યા છે, એટલે કે માત્ર 10 ટકાનો જ ઘટાડો થયો છે. સરકારે વેપારીઓ અને રિટેલર્સને અપીલ કરી છે કે, મિલ સ્તરે થયેલા ઘટાડાનો સીધો લાભ સામાન્ય ગ્રાહકો સુધી તાત્કાલિક પહોંચાડવામાં આવે.
ખેડૂતો અને ગ્રાહકોના હિત વચ્ચે સંતુલન
સરકારે સ્પષ્ટ કર્યું છે કે ખેડૂતો અને સામાન્ય ગ્રાહકો ભારતની સુગર પોલિસીના મુખ્ય આધારસ્તંભ છે. 1 ઓક્ટોબર 2026થી શરૂ થતી નવી સિઝનથી શેરડી પકવતા ખેડૂતોને ક્વિન્ટલ દીઠ 365 રૂપિયાનો વાજબી અને લાભકારી ભાવ (FRP) મળશે. આગામી દિવસોમાં તહેવારો દરમિયાન ખાંડની ઉપલબ્ધતા અને તેના ભાવો પર સરકાર ચાંપતી નજર રાખશે.

