લખનૌના કોંગ્રેસ કાર્યાલયમાં ભારે હોબાળો,અજય રાય અને મમતા ચૌધરીના જૂથો વચ્ચે જૂતા ફેંકાયા

લખનૌ સ્થિત કોંગ્રેસ કાર્યાલયમાં અજય રાય અને મમતા ચૌધરીના સમર્થકો વચ્ચે ભારે હોબાળો મચી ગયો હતો. કોંગ્રેસના મહિલા પ્રદેશ પ્રમુખ અને કાઉન્સિલર મમતા ચૌધરીના સમર્થકો તથા પૂર્વ પ્રદેશ પ્રમુખ અજય રાયના સમર્થકો વચ્ચે વિવાદ દરમિયાન જોરદાર વિરોધ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે આજે યુપી કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ આરાધના મિશ્રા અને કાર્યકારી પ્રમુખ ઇમરાન મસૂદના પદભાર ગ્રહણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
અજય રાય કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા ત્યારે મમતા ચૌધરી તરફથી અજય રાય માટે અપશબ્દો બોલવામાં આવ્યા હોવાનો આરોપ છે. ત્યારબાદ અજય રાયના સમર્થકોએ મમતા ચૌધરી સામે જોરદાર હોબાળો મચાવ્યો હતો. સમર્થકોએ હાથમાં જૂતા લઈને વિરોધ દર્શાવ્યો હતો.
આ સમગ્ર મામલે અજય રાયે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ પ્રમોદ તિવારી, પ્રદેશ પ્રમુખ આરાધના મિશ્રા મોના અને કાર્યકારી પ્રમુખ ઇમરાન મસૂદ સમક્ષ ફરિયાદ કરી હતી. અજય રાયે કહ્યું કે આવા લોકો પાર્ટીની છબી ખરડી રહ્યા છે અને જો આવા લોકો પાર્ટીમાં રહેશે તો પક્ષનું વાતાવરણ બગડશે. તેમણે મમતા ચૌધરીને પાર્ટીમાંથી બહાર કાઢવાની માંગ કરી છે. અજય રાયને આ મામલે કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.
આ બાબતે થયો હોબાળો
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, પૂર્વ પ્રદેશ પ્રમુખ અજય રાય પોતાના સમર્થકો સાથે કાર્યાલય પહોંચ્યા હતા. તે દરમિયાન ભીડને જોતાં અજય રાયના સમર્થકોએ કહ્યું કે, 'પ્રમુખજી બહાર નીકળશે, રસ્તો આપો.' આ વાત પર મમતા ચૌધરી તરફથી પૂછવામાં આવ્યું કે, 'ક્યા પ્રમુખ?' ત્યારબાદ અજય રાય અને મમતા ચૌધરીના સમર્થકો વચ્ચે વિવાદ વધી ગયો હતો. પ્રત્યક્ષદર્શીઓ મુજબ, બંને જૂથો વચ્ચે ઝઘડો અને મારામારી થઈ હતી. આ દરમિયાન જૂતા ફેંકાયા હોવાની વાત પણ સામે આવી છે.

