VIDEO: ચમોલીમાં વાદળ ફાટતા ભારે તારાજી: 13 ગામોનો સંપર્ક તૂટ્યો, NDRFનું બચાવ અભિયાન ચાલુ
ઉત્તરાખંડના ચમોલી જિલ્લાની નીતિ ઘાટીના તમક વિસ્તારમાં સોમવારે વાદળ ફાટ્યા બાદ રાહત અને બચાવ કામગીરી સતત ચાલુ છે. ઘટનાસ્થળે NDRFની ટીમે મોડી રાત સુધી લાપતા થયેલા BRO (બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન)ના OCના ડ્રાઈવરની શોધખોળ કરી હતી, પરંતુ હજુ સુધી તેનો કોઈ પત્તો મળ્યો નથી. આજે પણ NDRFની ટીમ ઘટનાસ્થળ માટે રવાના થઈ ગઈ છે અને લાપતા વ્યક્તિની શોધખોળ ચાલુ રાખવામાં આવશે.
આ ઉપરાંત વાદળ ફાટવાને કારણે નીતિ ઘાટીનો તાલુકા મથક (તહસીલ હેડક્વાર્ટર) સાથેનો સંપર્ક તૂટી ગયો છે. 40 મીટર લાંબો પુલ તણાઈ ગયો છે, જેના કારણે 13થી વધુ ગામડોનો સંપર્ક કપાઈ ગયો છે.
લાપતા ડ્રાઈવરની શોધમાં 15 જવાનો તૈનાત
સેનાની અગ્રીમ ચોકીઓ સુધી જવાનો સંપર્ક માર્ગ પણ બંધ થયો છે. જોકે, ટૂંક સમયમાં વૈકલ્પિક રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. બચાવ કામગીરીમાં NDRFના કુલ 27 જવાનો જોડાયેલા છે, જેમાંથી 15 જવાનોને ખાસ લાપતા ડ્રાઈવરની શોધખોળમાં લગાવવામાં આવ્યા છે. નીતિ-મલારી નેશનલ હાઈવે વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયો છે.
ચમોલી જિલ્લામાં સતત વરસાદ ચાલુ છે, જેનાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. બદરીનાથ રાષ્ટ્રીય રાજમાર્ગ પર આવેલ 'પાબલ નાલા' પાસે કાટમાળ આવી જતાં ચારધામ યાત્રાએ આવેલા મુસાફરો રસ્તાની બંને બાજુ ફસાઈ ગયા છે.
આ જિલ્લાઓમાં ફ્લેશ ફ્લડ (પૂર)નું જોખમ
ચમોલી ગઢવાલના સાંસદ અનિલ બલૂનીએ તમક વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના અંગે ચમોલીના જિલ્લા કલેક્ટર (DM) ગૌરવ કુમાર પાસેથી વિગતો મેળવી હતી. ગઢવાલ સાંસદે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને અધિકારીઓને સ્થળ પર રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તરાખંડમાં સતત થઈ રહેલા વરસાદને કારણે આગામી 24 કલાકમાં 12 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ કક્ષાના ફ્લેશ ફ્લડ (અચાનક પૂર)નું જોખમ છે. જોખમ ધરાવતા 12 જિલ્લાઓ, જેમાં અલ્મોડા, બાગેશ્વર, ચમોલી, ચંપાવત, દહેરાદૂન, ટિહરી, હરિદ્વાર, નૈનીતાલ, પિથોરાગઢ, રુદ્રપ્રયાગ, ઉત્તરકાશી અને પૌડી સમાવેશ થાય છે.
24 કલાક સતત મોનિટરિંગ
રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર (State Emergency Operations Centre) દ્વારા 24×7 સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને સમગ્ર વહીવટીતંત્રને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે.
આપત્તિ વ્યવસ્થાપન સચિવ વિનોદ કુમાર સુમન દ્વારા નાગરિકો અને પ્રવાસીઓને મુસાફરી ટાળવા તેમજ નદી-નાળાં અને વરસાદી વહેણોની નજીક ન જવાની અપીલ કરવામાં આવી છે.

