VIDEO: 'ભરી કોર્ટ મેં ગોલી મારેંગે' ગીતથી ફેમસ થયેલા હરિયાણવી એક્ટર અંકિત બાલિયાનની ગોળી મારીને કરપીણ હત્યા!
હરિયાણવી મ્યુઝિક ઇન્ડસ્ટ્રી અને સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવનાર જાણીતા કલાકાર અંકિત બાલિયાનની અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. ફાયરિંગની અચાનક બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને સનસનાટી મચી ગઈ છે.
હોસ્પિટલમાં મૃત જાહેર
ફાયરિંગની માહિતી મળતાં જ પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત અંકિત બાલિયાનને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઉત્તર પ્રદેશના શામલી સ્થિત બંતીખેડાના વતની અંકિત બાલિયાન સોશિયલ મીડિયા અને હરિયાણવી ગીતોમાં ખૂબ સક્રિય હતા. તેઓ પોતાના જાણીતા ગીત 'ભરી કોર્ટ મેં ગોલી મારેંગે મેરી જાન'થી ચર્ચામાં આવ્યા હતા. વર્ષ 2023માં શામલી ખાતે યોજાયેલા તેમના રોડ શોએ પણ ભારે ચર્ચા જગાવી હતી.
ચૂંટણી લડવાની તૈયારી
પ્રાપ્ત માહિતી અનુસાર અંકિત બાલિયાન આગામી જિલ્લા પંચાયત ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા હતા, તેવામાં તેમની આ અચાનક હત્યાથી અનેક સવાલો ઊભા થયા છે. હત્યાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. પોલીસે ઘટનાસ્થળ અને આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજની તપાસ શરૂ કરી છે જેથી હુમલાખોરોની ઓળખ કરી શકાય. સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ સાથે પોલીસ તમામ શક્ય એંગલથી તપાસ ચલાવી રહી છે.

