Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : H5N1 bird flu virus found in pet cats for the first time in India

દેશમાં પહેલીવાર પાલતુ બિલાડીઓમાં નોંધાયો બર્ડ ફ્લૂનો કેસ, વૈજ્ઞાનિકોએ લોકોને સાવચેતી રાખવાની આપી સલાહ

Timeછેલ્લું અપડેટ : 28 Feb 2025
લાઇવ ટીવીGoogle News
દેશમાં પહેલીવાર પાલતુ બિલાડીઓમાં નોંધાયો બર્ડ ફ્લૂનો કેસ, વૈજ્ઞાનિકોએ લોકોને સાવચેતી રાખવાની આપી સલાહ

ભારતમાં બર્ડ ફ્લૂના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે મધ્યપ્રદેશના છિંદવાડામાં પાલતુ બિલાડીઓમાં બર્ડ ફ્લૂ (H5N1) નો પ્રથમ કેસ નોંધાયો છે. આ પછી પ્રશાસન દ્વારા સંક્રમિત વિસ્તારોને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ ઘટના બાદ વહીવટીતંત્ર સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. ઉપરાંત, બિલાડીઓના સંપર્કમાં આવતા લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.

App Store

દેશમાં પ્રથમ વખત પાલતુ બિલાડીઓમાં બર્ડ ફ્લૂનો મામલો સામે આવ્યો 

દેશમાં પ્રથમ વખત છિંદવાડામાં પાલતુ બિલાડીઓમાં બર્ડ ફ્લૂનો મામલો સામે આવ્યો છે. જેમાં 18 બિલાડીઓના મોત બાદ સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી 3 બિલાડીઓમાં બર્ડ ફ્લૂ જોવા મળ્યો હતો. દેશમાં આ પહેલીવાર છે જ્યારે બિલાડીઓમાં બર્ડ ફ્લૂ જોવા મળ્યો છે.

આ મામલાને ધ્યાનમાં લઈને વહીવટીતંત્રે જિલ્લામાં 30 દિવસ માટે નોન-વેજ, ઈંડા સહિતની ચીજ-વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે અને ચેપગ્રસ્ત વિસ્તારોમાં દુકાનો સીલ કરી દીધી છે. આ ઉપરાંત  બિલાડીના સંપર્કમાં આવેલા 65 લોકોના નમૂના પરીક્ષણ માટે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, પુણેમાં મોકલવામાં આવ્યા હતા, આ તમામ સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

પાલતુ બિલાડીઓમાં લક્ષણો જોવા મળ્યા

ભારતમાં પાલતુ બિલાડીઓમાં બર્ડ ફ્લૂના લક્ષણ પહેલીવાર જોવા મળ્યા છે. જેમાં બિલાડીઓમાં તાવ, ભૂખ ન લાગવી અને સુસ્તી જેવા લક્ષણો જોવા મળે છે અને પછી નમૂના લીધાના એકથી ત્રણ દિવસમાં બીમાર પડી ગઈ હતી. અભ્યાસમાં બિલાડીઓમાં જોવા મળતા વાયરસમાં 27 ફેરફારો જોવા મળ્યા હતા.

વહીવટીતંત્રએ આપ્યા કડક આદેશ

કલેક્ટર શિલેન્દ્ર સિંહે ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા 2023ની કલમ 163 હેઠળ કડક આદેશ જારી કર્યા છે. આ અંતર્ગત, પોલ્ટ્રી ફાર્મથી એક કિલોમીટરની ત્રિજ્યાના વિસ્તારને સંક્રમિત ક્ષેત્ર તરીકે જાહેર કરવામાં આવ્યો છે, જ્યાં તમામ ચિકન શોપ અને પોલ્ટ્રી ફાર્મ સંપૂર્ણપણે બંધ રહેશે. આ ઉપરાંત 10 કિલોમીટરની ત્રિજ્યાને પણ સર્વેલન્સ એરિયા તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

તમામ પોલ્ટ્રી ફાર્મ, બેકયાર્ડ પોલ્ટ્રી, ચિકન શોપ અને ઈંડાની દુકાનો દરરોજ સેનિટાઈઝ કરવામાં આવશે. વેટરનરી વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની મદદથી ચેપગ્રસ્ત વિસ્તારમાં જોવા મળતા તમામ ચિકન અને તેના ઉત્પાદનોનો નાશ કરવામાં આવી રહ્યો છે. ચેપગ્રસ્ત વિસ્તારમાં ચિકન અને મરઘાં ઉત્પાદનોના વેચાણ અને પરિવહન પર એક મહિના માટે સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

લોકોને એલર્ટ કર્યા

અસરગ્રસ્ત વિસ્તારોમાં ચિકન શોપના માલિકો અને પશુપાલકોના પરિવારોના સેમ્પલ લીધા બાદ આરોગ્ય વિભાગે નાગરિકોને નોન-વેજ, ઈંડા સહિતની ચીજ-વસ્તુઓનું સેવન ન કરવા અપીલ કરી છે. ઉપરાંત, તમારા પાલતુ પ્રાણીઓને પણ કાચું માંસ ન ખવડાવવાની અપીલ કરી છે. તેમજ બીમાર કે મૃત પક્ષીઓ વિશે તાત્કાલિક વહીવટીતંત્રને જાણ કરવાનું જણાવવામાં આવ્યું છે. 

ઈન્ફલ્યુએન્ઝા વાયરસ મહામારી ફેલાવી શકે છે

વૈજ્ઞાનિકોના કહેવા અનુસાર H5N1 વાયરસ સામાન્ય રીતે પક્ષીઓમાં જોવા મળે છે, પરંતુ કેટલાક ફેરફારોને કારણે તે સસ્તન પ્રાણીઓમાં પણ ફેલાઈ શકે છે. આ વાયરસના વેરિઅન્ટના કારણે તે હાલ ચિંતાનો વિષય છે. ઈન્ફલ્યુએન્ઝા વાયરસ મહામારી ફેલાવી શકે એટલો મજબૂત વાયરસ હોય છે, જેમ કે કોવિડ દરમિયાન જોવા મળ્યું હતું. આથી સાવચેત રહેવું જરૂરી છે.